(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ગુજરાત કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કર્યા હતા. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ છે, બીજી તરફ દેશ ભાજપ અને આમ આદમી પાર્ટી લોકશાહી વ્યવસ્થાને મજાક બનાવી રહી છે.
આખા દેશમાં અવસરવાદની રાજનીતિથી લોકશાહી પરંપરાઓ કલંકિત થઈ છે. ગુજરાતમાં ભાજપનું કટકી, કમિશન અને કમલમનું કૌભાંડ ખુલ્લુ પડી ગયું છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિચારધારાથી બનેલી અને તેના મુજબ જ કામ કરતી અને ફંડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીને પણ લોકો ઓળખી રહ્યા છે.
તાજેતરમાં આમ આદમી પાર્ટીના (આપ) સાંસદ રાઘવ ચઢ્ઢા સહિતના નેતાઓએ આપમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, તે મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાએ આપ પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આખા દેશમાં વર્ષ 2013થી લોકશાહીની હત્યા અને છેતરવાનું કામ ખુલ્લુ પડી ગયું હતું. ભાજપ અને આપ ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહિ, ખાલી વિરોધી હોવાનું નાટક કરતાં હતા.
તેમણે આક્ષેપ કર્યો હતો કે 2013માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન થયું તે ભાજપ અને આરએસએસનું ષડયંત્ર હતું, અન્ના હજારેને આગળ કરવામાં આવ્યા પણ પડદા પાછળ આરએસએસ હતું અને આખા દેશમાં કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવાનું આયોજન હતું.
તેમણે કહ્યું હતું કે આપનો જન્મ જ ભાજપ અને સંઘની વિચારધારાથી થયો છે, રાજ્યસભામાં આપના બે તૃતીયાંશ સાંસદોએ ભાજપમાં મર્જ થવાની જાહેરાત કરી એ કોઈ નવી વાત નથી, તે વર્ષો પૂર્વેનું આયોજન જ હતું. ભાજપના નેતાઓના નિવેદનો ટાંકીને તેમણે કહ્યું હતું કે આપમાંથી ચૂંટાનાર નેતા ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાઈ જવાનો છે.
કોંગ્રેસના મત્ત તોડવા માટે ગુજરાતમાં આપને લોન્ચ કરવામાં આવી છે. બધા જ જાણી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ છે, આગામી દિવસોમાં પંજાબના આપના બહુમતી ધારાસભ્યો ભાજપમાં મર્જ થવાના છે, તેમણે કહ્યું હતું કે એવું બને કે અરવિંદ કેજરીવાલ સહિત આખી આમ આદમી પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ થઈ જાય તો કોઈ આશ્ચર્યજનક નહિ હોય.
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે લોકોએ ભાજપને સંપૂર્ણ બહુમતી આપી તેમ છતાં વિનમ્ર બનવાને બદલે ભાજપ ભ્રષ્ટ બની ચૂકી છે. બ્રિજ લોકાર્પણ પહેલા જ તૂટી પડે અને તેને તોડી પાડવા માટેનું ટેન્ડર તેના બનાવવાના ખર્ચ કરતાં વધુ હોય , કારણ કે ભાજપને કમિશન મળે પછી જ કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર નથી મળતા.
મોંઘવારી, પેપર ફૂટવા, રસ્તાના ખાડા, યુવાનોને રોજગારી,કરારી ભરતી, ફિક્સ પગાર જેવી અનેક સમસ્યાઓ છે પણ તેને લોકોની પડી નથી તેમણે અપીલ કરી હતી કે આવતીકાલે “પંજા” ના નિશાન પર આપનો મત આપી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને વિજયી બનાવીને ભાજપને જાકારો આપીને શિક્ષા આપવાની અપીલ કરી હતી.