Thu Sep 10 2026

Logo

ગુજરાતમાં બાળકો પરના અત્યાચાર સામે બાળ આયોગની લાલ આંખ: POCSO અને JJ એક્ટ હેઠળ કડક કાર્યવાહીના નિર્દેશ

2026-08-11 20:08:44
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં બાળકો પરના અત્યાચાર સામે બાળ આયોગની લાલ આંખ: POCSO અને JJ એક્ટ હેઠળ કડક કાર્યવાહીના નિર્દેશ

ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી દોષિતો અને સંસ્થાઓ સામે સુઓ-મોટો સંજ્ઞાન લેવા આદેશ

ગાંધીનગરઃ રાજ્યમાં બાળકો વિરુદ્ધ શારીરિક તથા માનસિક શોષણ, અત્યાચાર અને મારપીટ જેવા ગંભીર ગુનાઓ સામે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે કડક વલણ અપનાવ્યું છે. બાળ અધિકારોના ગંભીર ઉલ્લંઘનના આ બનાવોને પગલે ગાંધીનગર ખાતે આયોગનાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોક્સો (POCSO Act) અને જે.જે. એક્ટ (J.J. Act) હેઠળ જવાબદાર વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ સામે કડકમાં કડક પગલાં લેવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આયોગના અધ્યક્ષે જણાવ્યું હતું કે, બાળકોના હકો અને અધિકારોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ દોષિતને બક્ષવામાં નહીં આવે અને તેમની સામે કાયદાકીય જોગવાઈઓ અનુસાર સખતમાં સખત પગલાં લેવા આયોગ કટિબદ્ધ છે.

બાળકો પર થતા અત્યાચાર અને શોષણના કિસ્સામાં આયોગ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. આ અંતર્ગત POCSO અને જે. જે. એક્ટ (Juvenile Justice Act)ના ભંગ બદલ જવાબદાર વ્યક્તિઓ, સંસ્થાના સંચાલકો કે ટ્રસ્ટીઓ સામે સુઓ-મોટો (Suo-Moto) સંજ્ઞાન લઈ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવા તેમણે ઉપસ્થિત અધિકારીઓને કડક આદેશ આપ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં આયોગના સચિવ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આયોગના અન્ય ઉચ્ચ અધિકારીઓએ પણ સહભાગી થઈને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.