Tue Apr 21 2026

Logo

ગુજરાત એટીએસે બે શખ્સની કરી ધરપકડ, આઈએસઆઈએસ સાથે લિંક હોવાની આશંકા

2026-04-21 16:35:54
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ એન્ટિ ટેરરીઝમ સ્ક્વોડ (એટીએસ) ગુજરાત દ્વારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જે કથિત રીતે દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. એક શખ્સ ગુજરાત પાટણથી જ્યારે બીજો મુંબઈના સાકીનાકા વિસ્તારથી પકડવામા આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

પાટણ જિલ્લાના સિદ્ધપુરના રહેવાસી 22 વર્ષીય ઇરફાન કાલેખાન પઠાણ કથિત રીતે કટ્ટરવાદી માનસિકતા ધરાવતો હોવાના અને ભારત સરકાર સામે સશસ્ત્ર બળવો કરવાની યોજના બનાવી રહ્યો હોવાની ગુપ્ત માહિતી એટીએસને મળી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

પઠાણની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ માટે એટીએસ ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, તપાસકર્તાઓએ તેના મોબાઇલ ફોનની તપાસ કરી હતી અને જાણવા મળ્યું કે તે કથિત રીતે સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા કાર્યકરો તેમજ અનેક કટ્ટરપંથી જૂથોના સંપર્કમાં હતો. ત્યારબાદની તપાસ અને ડિજિટલ ફોરેન્સિક તપાસ દ્વારા એટીએસને તેના કથિત સાથી, ખુર્શીદ ઝાહિદ અખ્તર શેખ (21) વિશે માહિતી મળી હતી. જેને મહારાષ્ટ્ર પોલીસની મદદથી મુંબઈના સાકીનાકાથી પકડવામાં આવ્યો હતો.

એટીએસ અનુસાર, કથિત રીતે આ બંનેનો ઉદ્દેશ્ય જેહાદ દ્વારા  કટ્ટરપંથીઓનું નેટવર્ક બનાવીને સમગ્ર ભારતમાં ગઝવા-એ-હિંદ સ્થાપિત કરવાનો હતો. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અધિકારીઓ અને રાજકારણીઓને લક્ષ્ય બનાવવા માગતા હતા, આરડીએક્સ મેન્યુફેક્ચર કરી બોમ્બ બનાવવા માગતા હતા. પાકિસ્તાનથી શસ્ત્રો મંગાવવા માગતા હતા. 

એટીએસે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર શંકાસ્પદોની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સોશિયલ મીડિયા સર્વેલન્સ અને માનવ ગુપ્ત માહિતી બંનેનો ઉપયોગ કર્યો હતો, જ્યાં તેઓ કટ્ટરપંથી જૂથો સાથે સંપર્કમાં હતા. તેમના મોબાઇલ ફોનમાંથી મળેલા ડિજિટલ પુરાવાઓમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના આયોજન સંબંધિત ચેટ્સ અને વાંધાજનક સામગ્રીનો સમાવેશ થતો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ 61 અને 148 હેઠળ એટીએસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે બંને આરોપીઓના 11 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, અને કાવતરામાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે.