અમદાવાદઃ ગુજરાત સરકારે લોકોને સસ્તા ભાવે ફ્લેટ માટે અફોર્ડેબલ હાઉસિંગની જાહેર કરી છે. જેનાથી બિલ્ડરોને પણ ફાયદો થશે. મળતી વિગત પ્રમાણે, ગુજરાત કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન 2017 પછી બિલ્ડિંગ નિયમોમાં અત્યાર સુધીનો સૌથી મોટો સુધારો કરવા જઈ રહ્યું છે. જેમાં જમીનના વપરાશ માટે રાજ્યની હાલની પોઝિટિવ લિસ્ટ સિસ્ટમ રદ કરીને ઝોન મુજબ નેગેટિવ લિસ્ટ લાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલની વ્યવસ્થા મુજબ, કયા ઝોનમાં શું બનાવી શકાય તેની મંજૂરી આપવી પડે છે. નવી સિસ્ટમ હેઠળ, ઝોનમાં કઈ બાબતો પર પ્રતિબંધ છે તે જ દર્શાવવામાં આવશે, અને તે યાદીમાં ન હોય તેવી તમામ બાબતોને આપમેળે મંજૂર માનવામાં આવશે. આનાથી જમીનના વપરાશની મંજૂરીઓ સરળ બનશે અને સરકારી પ્રક્રિયાઓની અડચણો ઘટશે.
90 ચોરસ મીટર સુધીના યુનિટ ધરાવતી એફોર્ડેબલ હાઉસિંગ યોજનાઓમાં હવે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછી 225 યુનિટની ડેન્સિટી હોવી ફરજિયાત છે. ડેવલપર્સ આવી સ્કીમોમાં વપરાયેલ FSI ના 10 ટકા સુધીના ભાગનો ઉપયોગ કોમર્શિયલ સ્પેસ માટે કરી શકશે. જેનાથી બિલ્ડરોને મોટો લાભ થશે.
ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 હેઠળ જાહેર કરાયેલો આ ડ્રાફ્ટ બે મહિના માટે જાહેર વાંધા-સૂચનો માટે ખુલ્લો રાખવામાં આવશે. સરકાર પ્રતિભાવોની સમીક્ષા કર્યા પછી જ આ આખરી નિર્ણય લેશે. કેન્દ્ર સરકારના ‘ડીરેગ્યુલેશન સેલ’ની ભલામણોને આધારે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેનો મુખ્ય હેતુ બાંધકામ નિયંત્રણને સરળ બનાવવો અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવાનો છે.
હવે ઊંચાઈ પરથી શ્રેણી નક્કી થશે
12 મીટર સુધીના (સરેરાશ ગ્રાઉન્ડ પ્લસ ટુ) સ્વતંત્ર મકાનો અને રો-હાઉસ ‘બંગલો’ કે ‘ટેનામેન્ટ’ તરીકે ગણાશે. આ ઊંચાઈ વટાવતા જ બિલ્ડિંગ આપમેળે ‘એપાર્ટમેન્ટ’ ગણાશે. જેના કારણે સેટબેક, ફાયર સેફ્ટી અને સીડીના માપદંડોના કડક નિયમો લાગુ થશે. 12 મીટર સુધીની ઈમારતો માટે સીડી ઓછામાં ઓછી 1 મીટર પહોળી હોવી જોઈએ, જ્યારે તેનાથી ઊંચી ઈમારતો માટે ઊંચાઈ મુજબ 1.2 થી 2 મીટર પહોળી સીડી રાખવી પડશે.
પ્રોફેશનલ્સને પણ નવી છૂટછાટ મળશે. ડૉક્ટરો, વકીલો, આર્કિટેક્ટ્સ, એન્જિનિયરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હવે રહેણાંક મકાનના 50 ચોરસ મીટર સુધીના વિસ્તારમાં પોતાની ઓફિસ કે ક્લિનિક ચલાવી શકશે. આ જ માપદંડ હેઠળ પ્રી-સ્કૂલ ચલાવવાની પણ મંજૂરી રહેશે. આ ઉપરાંત ઘરગથ્થુ ઉદ્યોગો માટે પણ 50 ચોરસ મીટરની મર્યાદા રહેશે
રસ્તાની પહોળાઈ મહત્વની રહેશે
9 મીટરથી સાંકડા રસ્તાઓ પર માત્ર મર્યાદિત રહેણાંક અને ચોક્કસ હેલ્થકેર સુવિધાઓ માટે ઉપયોગ થઈ શકશે. 9 થી 12 મીટરના રસ્તાઓ પર માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ કોમર્શિયલ પ્રવૃત્તિની છૂટ મળશે. 12 થી 18 મીટરના રસ્તાઓ પર ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર તથા 18 મીટરથી વધુ પહોળા રસ્તાઓ પર નિયમોને આધીન તમામ માળ પર કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ શકશે.
પાર્કિંગના નિયમો પણ ધોરણસરના કરવામાં આવ્યા છે. એપાર્ટમેન્ટ અને એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં વપરાયેલ FSI ના 20 ટકા જેટલી જગ્યા પાર્કિંગ માટે અનામત રાખવી પડશે, જ્યારે કોમર્શિયલ ડેવલપમેન્ટમાં પ્રોજેક્ટના પ્રકાર અને કદના આધારે 30 થી 50 ટકા જગ્યા પાર્કિંગ માટે રાખવી પડશે. મલ્ટિપ્લેક્સ, એસેમ્બલી હોલ અને સ્ટેડિયમ માટે પાર્કિંગના અલગ નિયમો પણ સૂચવવામાં આવ્યા છે.
આ નવો ડ્રાફ્ટ ભવિષ્યના શહેરી વિકાસને મોટી અસર કરશે, તેથી આગામી અઠવાડિયામાં શહેરી આયોજકો અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર દ્વારા તેનો વિગતવાર અભ્યાસ કરીને સૂચનો રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.