Thu Oct 01 2026

Logo

ચૂંટણીમાં જીત બાદ ગુજરાતના કયા 4 ધારાસભ્યોએ કર્યો પક્ષ પલટો? ADRના રિપોર્ટમાં થયો ખુલાસો

2026-09-25 09:49:51
Author: Mayur Patel
ચૂંટણીમાં જીત બાદ ગુજરાતના કયા 4 ધારાસભ્યોએ કર્યો પક્ષ પલટો? ADRના રિપોર્ટમાં થયો ખુલાસો

અમદાવાદઃ ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે. ગુરુવારે એસોસિએશન ફોર ડેમોક્રેડિટ રિફોર્મ્સ (ADR)એ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ચૂંટણી જીત્યા બાદ રાજકીય પક્ષો બદલનારા દેશભરના સાંસદો અને ધારાસભ્યોની માહિતી આપવામાં આવી હતી.  વર્ષ 2022 થી 2026 ના સમયગાળાને આવરી લેતા આ અહેવાલમાં ગુજરાતના આવા ચાર કિસ્સાઓ નોંધાયા છે, અને આ તમામ ધારાસભ્યો છે.

ગુજરાતના કયા ચાર ધારાસભ્યોએ કર્યો પક્ષ પલટો

આ અહેવાલમાં ગુજરાતના જે ચાર ધારાસભ્યોના નામ સામેલ છે તેમાં સી. જે. ચાવડા (વિજાપુર), અર્જુન મોઢવાડિયા (પોરબંદર), અરવિંદ લાડાણી (માણાવદર) અને ચિરાગ પટેલ (ખંભાત) નો સમાવેશ થાય છે. આ તમામ ચારેય કિસ્સાઓમાં ધારાસભ્યો કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. ચિરાગ પટેલે 2023 માં પક્ષ બદલ્યો હતો, જ્યારે ચાવડા, મોઢવાડિયા અને લાડાણી 2024 માં ભાજપમાં જોડાયા હતા. જેમાંથી મોઢવાડિયા હાલ કેબિનેટ મંત્રી છે.


અહેવાલ મુજબ, દેશભરમાં ચૂંટાયેલા 111 લોકપ્રતિનિધિઓએ ચૂંટણી જીત્યા બાદ પક્ષ બદલ્યો હતો, જેમાં લોકસભાના 26 સાંસદો, રાજ્યસભાના સાત સાંસદો અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓના 78 ધારાસભ્યો સામેલ છે.

ચૂંટણી પછી સૌથી વધુ પક્ષપલટો નાગાલેન્ડમાં નોંધાયો હતો, જ્યાં 32 ધારાસભ્યોએ પક્ષ બદલ્યો હતો. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 20, તેલંગાણામાં નવ, તેમજ ગોવા અને પંજાબમાં આઠ-આઠ ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો.

ADR એ રાજકીય પક્ષપલટાને ડામવા માટે શ્રેણીબદ્ધ સુધારાઓની ભલામણ કરી છે. તેમાં બંધારણની દસમી અનુસૂચિમાં સુધારો કરવો, પક્ષપલટો કરનારા ધારાસભ્યો-સાંસદો પર જાહેર હોદ્દો સંભાળવા સામે પ્રતિબંધ મૂકતો કાયદો લાવવો અને પારદર્શિતા તેમજ જવાબદારી વધારવા માટે રાજકીય પક્ષોને RTI હેઠળ લાવવાનો સમાવેશ થાય છે.