Wed Jul 01 2026

Logo

સરકારી ખજાનામાં બમ્પર ઉછાળો, જૂનમાં GST કલેક્શન ₹1.94 લાખ કરોડ પહોંચ્યું

2026-07-01 14:17:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રના મોરચે એક ખૂબ જ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. જૂન 2026માં દેશનું ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) કલેક્શન 13.9 ટકાના જોરદાર ઉછાળા સાથે 1.94 લાખ કરોડ રૂપિયા (1,94,812 કરોડ)ને પાર પહોંચી ગયું છે. નાણા મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ગયા વર્ષે સમાન મહિનામાં આ આંકડો 1.71 લાખ કરોડ રૂપિયા હતો.

રિફંડનો મોટો આંકડો, ચોખ્ખી કમાણી પણ શાનદાર

માત્ર ગ્રોસ રેવેન્યુ (કુલ આવક) જ નહીં, પરંતુ રિફંડ ચૂકવ્યા પછીની ચોખ્ખી કમાણી (નેટ રેવેન્યુ) પણ શાનદાર રહી છે. નેટ આધાર પર જોઈએ તો, સરકારના ખાતામાં 1,62,377 કરોડ રૂપિયા આવ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 11.2 ટકા વધુ છે. આ મહિને સરકારે રિફંડ તરીકે પણ મોટી રકમ પરત કરી છે. કુલ 32,436 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ આંકડો ગયા વર્ષના 25,121 કરોડ રૂપિયાની સરખામણીમાં 29.1 ટકા વધુ છે.

હવે જો ટેક્સના અલગ-અલગ હિસ્સાઓ પર નજર કરીએ તો, સેન્ટ્રલ જીએસટી (CGST) 37,376 કરોડ રૂપિયા રહ્યો, જેમાં 8 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે સ્ટેટ જીએસટી (SGST) 4 ટકા વધીને 45,116 કરોડ રૂપિયા થઈ ગયો છે. ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શનમાંથી મળતો ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) પણ 7 ટકાના વધારા સાથે 52,282 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

આયાતી સામાનથી સરકારી તિજોરી છલકાઈ

આ આખા મહિનાના ટેક્સ કલેક્શનની સૌથી મોટી વિશેષતા વિદેશથી આવતા સામાન પર લાગતો ટેક્સ રહી છે. આયાત (ઇમ્પોર્ટ) પર લાગતા IGSTમાં 34.6 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. તેના દ્વારા સરકારી તિજોરીમાં સીધા 60,038 કરોડ રૂપિયા જમા થયા છે. આ મજબૂત વધારાએ કુલ GST કલેક્શનને મોટો ટેકો આપ્યો છે. જો આપણે માત્ર સ્થાનિક (ડોમેસ્ટિક) સ્તરે થતી આવકની વાત કરીએ, તો તેમાં 6.5 ટકાની સંતુલિત વૃદ્ધિ નોંધાઈ છે. આ હેડ હેઠળ કુલ 1,34,774 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે સ્થાનિક બજારમાં સ્થિરતાની સાથે વિદેશી વેપારમાં પણ ભારે તેજી આવી છે.

મહારાષ્ટ્રનો દબદબો યથાવત, યુપીની ઝડપે ચોંકાવ્યા

રાજ્યોના પ્રદર્શનની વાત કરીએ તો, ટેક્સ ચૂકવવામાં મહારાષ્ટ્રનો દબદબો હજી પણ બરકરાર છે. મહારાષ્ટ્રે 9 ટકાની વૃદ્ધિ સાથે સૌથી વધુ 30,714 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જોકે, સૌથી વધુ ચોંકાવનારી ઝડપ ઉત્તર પ્રદેશે દર્શાવી છે. દેશના પ્રમુખ રાજ્યોમાં યુપીએ 19 ટકાનો શાનદાર વૃદ્ધિ દર નોંધાવ્યો છે, જેના દ્વારા 9,165 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે.

અન્ય રાજ્યોનું પ્રદર્શન પણ ઉત્સાહજનક રહ્યું છે. ગુજરાતે 12 ટકાના વધારા સાથે 11,743 કરોડ રૂપિયા, કર્ણાટકે 10 ટકા વધીને 12,937 કરોડ રૂપિયા અને હરિયાણાએ 9 ટકાની વૃદ્ધિ સાથે 10,065 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં ઉમેર્યા છે. બીજી તરફ, મોટા રાજ્યોની યાદીમાં માત્ર તમિલનાડુ જ એક એવું રાજ્ય રહ્યું જ્યાં ટેક્સ કલેક્શન ઘટ્યું છે. ત્યાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે, જેનાથી કુલ આવક 9,776 કરોડ રૂપિયા રહી છે.