Thu Oct 01 2026

Logo

બસ અગ્નિકાંડઃ PM મોદી-રાષ્ટ્રપતિ મુર્મુએ વ્યક્ત કર્યું દુઃખ, જાણો ફાયર ઓફિસરે શું સ્પષ્ટતા કરી?

2026-09-24 11:10:00
Author: Mumbai Samachar Team
બસ અગ્નિકાંડઃ PM મોદી-રાષ્ટ્રપતિ મુર્મુએ વ્યક્ત કર્યું દુઃખ, જાણો ફાયર ઓફિસરે શું સ્પષ્ટતા કરી?

નવી દિલ્હીઃ ગુરૂવારની રાત્રે યમુના એક્સપ્રેસ વે પર દિલ્હીના કાશ્મીરી ગેટથી મહોબા જઈ રહેલી સ્લિપર બસમાં અચાનક આગ ભભુકી હતી. આ કેસમાં ગૌતમબુદ્ધ નગરના મુખ્ય ફાયર ઓફિસર પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે, ઝેવર પોઈન્ટથી 33 કિમી દૂર આ ઘટના બની છે જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે. આ નવ પ્રવાસીઓ આગમાં ભળથું થઈ જવાથી અને શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. ફાયર અને પોલીસની ટીમ રેસક્યૂ ઑપરેશન કરીને 20થી વધારે લોકોના જીવ બચાવી લીધા છે. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે, એસીમાં સ્પાર્ક થવાના કારણે બ્લાસ્ટ થયો હતો એ પછી બસના એન્જિનમાં લુબ્રિકેટ ઓઈલમાં આગ લાગી હતી. 

શું કહ્યું ફાયર ઓફિસરે?
આ કારણે ઘડીના છઠ્ઠાભાગમાં બસ અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. કેટલાક પ્રવાસીઓ બારીનો કાચ તોડીને નીચે કુદી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઝેવર ટોલનાકા પર રહેલા ફાયર ફાઈટર્સ અને 3 અન્ય ફાયર સર્વિસ યુનિટ ઘટના સ્થળે પહોંચીને રેસક્યૂ ઑપરેશન કરવા લાગ્યા હતા. સતત ધુમાડા નીકળતા હતા એ સમયે પોલીસ અને ફાયરની ટીમે બસમાં અંદર એન્ટ્રી કરી હતી જ્યાં 9 પ્રવાસીઓના મૃતદેહ મળ્યા. આ મૃતદેહની ઓળખ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.

આ ઘટના બાદ પોલીસે ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી છે. ઝેવર પોલીસ સ્ટેશનમાં એમની સામે કાયદેસરની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. FIR થયા બાદ પ્રાથમિક પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે. ટેકનિકલ પાસાની તપાસ પણ આગળ વધારામાં આવી રહી છે.  આ સમગ્ર ઘટના પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ શોક વ્યક્ત કર્યો છે. 

વડા પ્રધાન રાહત ફંડમાંથી મળશે આર્થિક મદદ
સમગ્ર કેસને ગંભીરતાથી લઈ રાષ્ટ્રપતિ મુર્મુએ લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં યમુના એક્સપ્રેસ વે પર બસમાં આગ લાગતા 9 લોકોના મૃત્યુના સમાચાર ખરેખર પીડાદાયક છે. આઘાત પામેલા પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ અને ઈજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરૂ છું. વડા પ્રધાન મોદી કાર્યાલયે ટ્વિટ કરતા લખ્યું હતું કે, ગ્રેટર નોઈડામાં બસમાં આગ લાગતા આ ઘટનામાં મૃત્યુના સમાચાર દુઃખદ છે.  9 વ્યક્તિઓના મૃત્યુ થયા છે એ જાણીને દુઃખથયું છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું.


આ ઘટનામાં ઈજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ થાય એ માટે કામના કરૂ છું. PMNRFમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવાશે અને ઈજાગ્રસ્તને50 હજાર રૂપિયાની આર્થિક મદદ મળી રહેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઘટનાને ગંભીરતાથી લઈને ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું.  આ એક સ્લિપર ડબલડેકર બસ હતી. બસની ઉપર મોટી સંખ્યામાં પાર્સલ પડ્યા હતા. જેના કારણે આગ વધારે પ્રસરી હોવાનું મનાય રહ્યું છે. ફોરેન્સિક વિભાગની ટીમ તપાસ કરી રહી છે. એના રિપોર્ટ પછી હકીકત જાણવા મળશે.