ભુજઃ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મળેલી એક મોટી સફળતા બાદ હવે કચ્છના રણ વિસ્તારમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અબડાસાના ઘાસિયા મેદાનોમાં લગભગ એક દાયકાના લાંબા અંતરાલ બાદ જન્મેલું અતિ દુર્લભ ‘ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ’ (ઘોરાડ)નું બચ્ચું છેલ્લા ચાર-પાંચ દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થતાં વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે.
વનવિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગત ૧૮મી એપ્રિલ આસપાસ આશરે એક મહિનાનું થયેલું આ બચ્ચું ટૂંકી ઉડાન ભરતા શીખી ગયું હતું. જોકે, છેલ્લા ચાર-પાંચ દિવસથી તેની કોઈ ભાળ મળી નથી. આશંકા સેવાઈ રહી છે કે બચ્ચું કોઈ હિંસક પ્રાણીનો શિકાર બન્યું હોય અથવા કુદરતી કારણોસર તેનું મૃત્યુ થયું હોય. જોકે, અધિકારીઓ હજુ આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી રહ્યા નથી અને હજુ પણ બચ્ચું જીવિત હોવાની આશા સાથે શોધખોળ જારી રાખવામાં આવી છે. કચ્છ વનવિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, "બચ્ચાને શોધવા માટે વ્યાપક વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ અને વિશાળ વિસ્તારને કારણે કામગીરીમાં પડકારો આવી રહ્યા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં માત્ર એક જ માદા ઘોરાડ બચી હોવાથી કુદરતી સંવર્ધન અત્યંત મુશ્કેલ હતું. આથી 'જમ્પ-સ્ટાર્ટ' કન્ઝર્વેશન ટેકનિક હેઠળ રાજસ્થાનથી આશરે ૭૭૦ કિલોમીટરનું અંતર કાપી પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં ઇંડું નલિયા ખાતે લાવવામાં આવ્યું હતું. ૨૨ માર્ચના રોજ બચ્ચાના જન્મ બાદ ૨૬ માર્ચથી માદા પક્ષીએ તેને સ્વીકારી ઉછેર શરૂ કર્યો હતો, જે ગુજરાત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ માનવામાં આવતી હતી.
કચ્છના મુખ્ય વન સંરક્ષક ધીરજ મિત્તલે અગાઉ આ ટેકનિક દ્વારા જિલ્લામાં ઘોરાડની સંખ્યા ૨૦થી વધુ લઈ જવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. નિષ્ણાતો અને વોચર્સની ટીમ દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા સાથે સતત મોનિટરિંગ છતાં બચ્ચાનું અચાનક ગુમ થવું એ ગુજરાતના વન્યજીવ સંરક્ષણ પ્રયાસો માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. હાલમાં વનવિભાગની ટીમ સમગ્ર અબડાસાનો વિસ્તાર ખૂંદી રહી છે જેથી આ દુર્લભ પક્ષી વિશે કોઈ ચોક્કસ માહિતી મળી શકે.
(ઉત્સવ વૈદ્ય)