વિસાવદર: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં મહદઅંશે ભાજપની જીત નોંધાઈ છે. જોકે, આ દરમિયાન આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતેલી જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને આંચકો લાગ્યો છે. જેમાં તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 11 બેઠકો જીતી છે.
સત્તાધારી ભાજપે માત્ર 06 બેઠક જીતી
આ અંગે મળતી માહિતી મુજબ વિસાવદર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 11 બેઠકો પર જીત મેળવી છે. તેની સામે સત્તાધારી ભાજપે માત્ર 06 બેઠક જીતી છે. જ્યારે 01 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. તેમજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ખાતું પણ ના ખોલાવી શકી.
સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પણ જીત્યા
આ ઉપરાંત ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થઇ રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, AIMIM સાથે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પણ અમુક બેઠકો પર વિજય મેળવ્યો છે. આ વખતે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પોરબંદરની કુતિયાણા અને ખેડાના કઠલાલ બેઠક પર વિજય મેળવ્યો છે.
25,000 થી વધુ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજે ફેંસલો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રવિવારે 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું અને આજે ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરમાં આશરે 10,000 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. તેમજ 25,000 થી વધુ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજે ફેંસલો છે.