(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ચોથા સપ્તાહમાં પ્રવેશી રહ્યું છે અને યુદ્ધને કારણે ડૉલર ઈન્ડેક્સ તથા ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની ચિંતા સપાટી પર રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં ઘટ્યા મથાળેથી બાર્ગેઈન હંટિંગ નીકળતા ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 3250થી 3263નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 13,167નો કડાકો બોલાઈ ગયો હતો.
વૈશ્વિક બજારથી વિપરીત આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પણ માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 13,167ના ઘટાડા સાથે રૂ. 2,21,647ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતા વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 3250ના ઘટાડા સાથે રૂ. 1,42,370 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 3263ના ઘટાડા સાથે રૂ. 1,42,942ના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સ્થાનિક બજાર રામનવમી નિમિત્તે બંધ રહી હતી.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર સોનામાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી નીકળતાં ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકા વધીને આૈંસદીઠ 4425.39 ડૉલર આસપાસ અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ એક ટકો વધીને 4097.99 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.1 ટકા વધીને આૈંસદીઠ 68.74 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હોવાથી બજારને પ્રવાહીતાનો ટેકો મળતાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું છે અને ઘણાં રોકાણકારો હાલના મથાળેથી ખરીદીની તક જોઈ રહ્યા હોવાને કારણે પણ સુધારાને ટેકો મળ્યો હોવાનું વિસ્ડમ ટ્રીનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ નીતેશ શાહે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાનના એનર્જી પ્લાન્ટ પર હુમલા કરવાની મુદત 10 દિવસ લંબાવી હોવા છતા આજે ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 110 ડૉલર સુધી પહોંચ્યા હતા.
વધુમાં આજે અમેરિકાએ મધ્યપૂર્વમાં ઈરાનના તેલના વ્યૂહાત્મક હબ ખર્ગ ટાપુ કબ્જે કરવા હજારો સૈનિકોની ટુકડી રવાના કરી હોવાના અહેવાલ હતા. ઉલ્લેખનીય બાબત એ છે કે આ યુદ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂડતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને ફુગાવાની ચિંતા સપાટી પર આવી છે. સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ હાલના તબક્કે જો ફુગાવામાં વધારો થાય તો અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ નહીં મૂકે, પરંતુ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ હોવાથી સોનામાં અપેક્ષિત તેજીનો વસવસો જોવા મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષ 2026માં બે વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા હતા, પરંતુ પશ્ચિમ એશિયામાં વધેલા ભૂરાજકીય તણાવ અને ક્રૂડતેલમાં તેજીનું વલણ રહેતાં હવે માત્ર વર્ષના અંતે જ કાપ મૂકવામાં આવે તેવી ધારણા મૂકાઈ રહી છે.