Tue May 26 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ સપાટી પર આવતા વૈશ્વિક સોના-ચાંદીમાં પીછેહઠ

2026-05-26 20:18:03
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિકમાં ચાંદી રૂ. 4887 ગબડી, સોનામાં રૂ. 1246નો ઘટાડો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકાએ ઈરાન પર પુનઃ હુમલો કર્યો હોવાના અહેવાલો સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું તેમ જ ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા. તેમ જ ક્રૂડતેલના ભાવવધારા સાથે ફુગાવો વધવાની શક્યતા અને તેની માઠી અસર વ્યાજદરનાં આઉટલૂક પર પણ પડતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આવ્યો હતો, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1241થી 1246નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4887નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4887ના ઘટાડા સાથે રૂ. 2,66,213ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ રહી હતી. તેમ જ આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1241ના ઘટાડા સાથે રૂ. 1,56,980 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1246ના ઘટાડા સાથે રૂ. 1,57,611ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. નોંધનીય બાબત એ છે કે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં 44 પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 4537.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ આૈંસદીઠ 4536.80 ડૉલરના મથાળે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 2.2 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 76.37 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં અનિશ્ચિતતા અથવા તો સ્થિરતાનો અભાવ રહેતાં ફુગાવો વધવાની ભીતિ વચ્ચે અમેરિકી ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિ જાળવી રાખે તેવી શક્યતા અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધી આવતાં સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એક્ટિવ ટ્રેડ્સના વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવ્યું હતું. અમેરિકાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોની નજર અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટો પર સ્થિર થઈ છે. 

અમેરિકાએ ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરી હોવાના અહેવાલો સાથે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ દૂર થવાના આશાવાદ પર પાણી ફરી વળતાં ક્રૂડતેલના ભાવમાં ઘટ્યા મથાળેથી ઉછાળો આવ્યો હતો. જોકે, આજે અમેરિકી સચિવ માર્કો રુબિયોએ ઈરાન સાથે ડીલ થવામાં થોડા દિવસો લાગે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. ક્રૂડતેલના ભાવમાં વધારો થવાથી ફુગાવો વધતો હોય છે અને ફુગાવામાં વધારો લાંબા સમયગાળા સુધી વ્યાજદર ઊંચી સપાટીએ રાખે તેમ હોવાથી ફુગાવા સામે સોનામાં હેજરૂપી લેવાલી મંદ પડે છે. આમ વધતા ફુગાવાને ધ્યાનમાં લેતા આ વર્ષના અંત સુધીમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 41 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો જોઈ રહ્યા છે. દરમિયાન આજે યુબીએસએ વર્તમાન વર્ષ 2026ના અંત આસપાસ સોનાના ભાવનો અંદાજ આૈંસદીઠ 400 ડૉલર ઘટાડીને 5500 ડૉલરનો મૂક્યો હોવાનું એક નોટ્સમાં જણાવ્યું હતું.