સ્થાનિકમાં સોનું રૂ. 1181 વધીને રૂ. 1.5 લાખની નજીક, ચાંદીમાં રૂ. 5507ની તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ટૂંક સમયમાં જ ઈરાન સાથેનાં યુદ્ધનો અંત આવે તેવો આશાવાદ વ્યક્ત કરતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 2.1 ટકા વધી આવ્યા હતા તેમ જ સાપ્તાહિક ધોરણે ગત જાન્યુઆરી પછીનો સૌથી મોટો સાત ટકા જેટલો વધારો થયાના નિર્દેશો હતા. તેમ જ આજે ચાંદીના ભાવ પણ 4.4 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યાના પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1176થી 1181ની તેજી આગળ ધપી હતી અને ભાવ 1.50 લાખની નજીક પહોંચ્યા હતા. તેમ જ આજે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. 5507ની તેજી આવી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5507ની તેજી સાથે રૂ. 2,31,181ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે હાજરમાં સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવા છતાં વિશ્વ બજાર પાછળ 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1176 વધીને રૂ. 1,49,022 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1181 વધીને રૂ. 1,49,621ની સપાટીએ રહ્યા હતા.
ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ સાત સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ 2.1 ટકા વધીને આૈંસદીઠ 4326.59 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ અત્યાર સુધીમાં સાપ્તાહિક ધોરણે ગત જાન્યુઆરી પછીનો સૌથી મોટો સાત ટકાનો ઉછાળો નોંધાયો હતો. તેમ જ આજે ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ બે ટકા વધીને 4386.10 ડૉલર આસપાસ તથા હાજરમાં ચાંદીના ભાવ 4.4 ટકા વધીને આૈંસદીઠ 64.16 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલનાં ક્રૂડતેલના વૈશ્વિક ભાવને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ કેવિન વાર્શ નજીકના ભવિષ્યમાં તંગ નાણાનીતિ અપનાવે અને વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પાતળી થવાને કારણે સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓનાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે અગાઉ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારાની શક્યતા જે 67 ટકા જોઈ રહ્યા હતા તે આજે પંચાવન ટકા શક્યતા જોઈ રહ્યા છે.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે સાધારણ નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ છતાં સાપ્તાહિક ધોરણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે, આજે બજાર વર્તુળોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના જુલાઈ મહિનાના નોન ફાર્મ પે રૉલ ડેટા પર સ્થિર થઈ હતી.
વધુમાં વિશ્લેષકો જણાવે છે કે એક મહિના સુધી સોનાના ભાવમાં કોન્સોલિડેશન જોવા મળ્યા બાદ વર્તમાન સપ્તાહે ભાવે 50 દિવસની દૈનિક સરેરાશની સપાટી વટાવી છે અને હવે સોનામાં આૈંસદીઠ 4151 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે, જ્યારે 100 દિવસની આૈંસદીઠ દૈનિક સરેરાશ 4389 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે.