Tue Apr 28 2026

Logo

ગોધરા પ્રથમ વાર મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં હિંદુ મહિલા અપેક્ષા સોનીએ જીત મેળવી

2026-04-28 15:57:48
Author: Chandrakant Kanoja
Article Image

ગોધરા: ગુજરાતમાં 26 એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજયની  ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઇ રહ્યું છે. જેમાં ગોધરા શહેરમાં પ્રથમ વાર હિંદુ મહિલાએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં જીત મેળવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગોધરાનો વોર્ડ નંબર 7 સંપૂર્ણ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. જેમાં એક પણ હિંદુ  મતદાર નથી. તેમ છતાં અપેક્ષા સોની નામની હિંદુ મહિલાએ આ વિસ્તાર જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. 

શહેરમાં  સાંપ્રદાયિક સૌહાર્દનું  વાતાવરણ ઉભું થયું

ગોધરામાં જીત મેળવ્યા બાદ અપેક્ષા સોનીએ જણાવ્યું હતું કે,  ગોધરામાં અનેક વખત રમખાણો થયા છે, પરંતુ આ વખતે મુસ્લિમ સમુદાયે તેમના પર વિશ્વાસ મૂક્યો અને તેમની ચૂંટણી જીત સુનિશ્ચિત કરી છે. જેનાથી શહેરમાં  સાંપ્રદાયિક સૌહાર્દનું  વાતાવરણ ઉભું થયું છે. જે ખરેખર પ્રશંસનીય કાર્ય છે. તેમણે ખાતરી આપી કે  તેમનામાં વિશ્વાસ રાખનારા લોકોના વિસ્તારના પ્રાથમિક મુદ્દાઓને ઉકેલવાની  જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે.

25,000 થી વધુ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજે ફેંસલો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રવિવારે 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84  નગરપાલિકાઓ, 34  જિલ્લા પંચાયતો અને 260  તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું અને આજે ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરમાં આશરે 10,000  બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. તેમજ  25,000 થી વધુ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજે ફેંસલો છે. 

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી 

આ ઉપરાંત  અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, AIMIM એ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એન્ટ્રી કરી છે. ડિંડ્રોલ તાલુકા પંચાયત બેઠક પર AIMIM ના ઉમેદવારે કોંગ્રેસ અને ભાજપ બંનેને હરાવીને વિજય મેળવ્યો છે. જેમાં  સિદ્ધપુર ક્ષેત્રમાં AIMIM એ પહેલીવાર પોતાનું ખાતું ખોલ્યું છે.જ્યારે  અબ્બાસ અલીમાદ આસામીને 1877  મતોના માર્જિનથી ડિંડ્રોલ તાલુકા પંચાયત બેઠકના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.