ગીર સોમનાથઃ સાયબર ક્રાઈમની દુનિયામાં દરરોજ એવા કિસ્સાઓ બને છે માનવા મુશ્કેલ બની જાય છે. ગીર સોમનાથ સાયબર ક્રાઈમ સેલે દેશવ્યાપી કડીઓ ભેગી કરીને ગીરસોમનાથ જિલ્લામાંથી 310 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના આરોપીઓને પકડી પાડ્યા છે. આ કેસમાં પોલીસે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. સમગ્ર કેસને લીડ કરતા SP જયદીપસિંહ જાડજાએ દરેક નાનામાં નાની હકીકતને ભેગી કરીને, એક-એક તાર ભેગા કરતા સમગ્ર ઑપરેશન પ્લાન કર્યું હતું. આ પ્લાન અંતર્ગત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. વેરાવળ, રાજકોટ અને દ્વારકાથી આ ગૅંગમાં રહેલા પાંચ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.
ભાડે એકાઉન્ટ રાખતા
આ પાંચેય વ્યક્તિઓ સાયબર ફ્રોડના નાણા ટ્રાંસફર કરવા માટે ભાડે એકાઉન્ટ રાખતા હતા. સાયબર પોલીસે તપાસ દરમિયાન નોંધ્યું હતું કે, જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ફ્રોડ કરે એ સમયે ડાયરેક્ટ પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરતા નથી. તેઓ આ પ્રકારના લોકલ આરોપીઓના સંપર્કમાં હોય છે. આવા લોકો ભાડે એકાઉન્ટ રાખવાનું કામ કરતા હોય છે. અજાણ્યા લોકોના નામે ખોટા ડૉક્યુમેન્ટ ઊભા કરીને, જુદી જુદી રકમની લાલચ આપીને તથા કમિશન અંગે પૈસા દઈને એકાઉન્ટ ભાડે રાખતા હતા. સેવિંગ એકાઉન્ટ ખોલાવતા હતા. આ એકાઉન્ટ નંબર પછી ગુનેગારોને સોંપી દેવામાં આવતા હતા. આ ભાડાના ખાતાના બદલે એમને 1થી 5 ટકા સુધીનું કમિશન આપવામાં આવતું હતું. ગીર સોમનાથના SP જયદીપસિંહ જાહેજાએ જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડને ડામ માટે પોલીસ એક ટીમની જેમ કામ કરે છે. હજું પણ આવા કેસ સામે આવશે ત્યારે કડક કાર્યવાહી કરશે.

ટેકનિકલ ટીમ પણ ચોંકી ગઈ
આ કેસમાં જ્યારે કોઈ વ્યક્તિ સાથે છેત્તરપિંડી થતી એ સમયે આ પૈસા એક મ્યુલ એકાઉન્ટમાં જતા હતા, જ્યારે પોલીસે આરોપીઓ પાસે રહેલા ખાતાના બેંક સ્ટેટમેન્ટ કઢાવ્યા એ સમયે સમગ્ર ટેકનિકલ ટીમના પગ નીચેથી જમીન સરકી ગઈ. BOI ના ખાતાઓમાંથી 282 કરોડ અને કેનરા બેંકના ખાતાઓમાંથી 37 કરોડ મળીને છેત્તરપિંડી આચરવામાં આવી હતી. જેની ટોટલ રકમ 310 કરોડ થાય છે. કેટલાક શંકાસ્પદ અને ગેરકાયદેસર વ્યવહારો મળી આવ્યા છે. આ નાણાં દેશભરના હજારો ભોગ બનનારાઓ પાસેથી ટ્રાન્સફર કરાવાયા હોવાનું પોલીસ તપાસમાંથી સામે આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાયેલી 290 થી વધુ ફરિયાદોના તાર સીધા આ ખાતાઓ સાથે જોડાયેલા છે.આ પછી આ રકમ જે તે આંતરરાષ્ટ્રીય ફ્રોડના ખાતામાં જમા કરી દેવામાં આવતી હતી.
પોલીસની પ્રજાને અપીલ
મોટાભાગના વ્યવહાર એ ઓનલાઈન થયા હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. આરોપીઓની ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછમાંથી સમગ્ર રેકેટ ખૂલ્યું હતું. એ પછી પોલીસે જુદી જુદી ટીમ તૈયાર કરીને આવા ફ્રોડ સુધી પહોંચવા માટે કામગીરી કરી હતી. સાયબર ક્રાઈમના કેસમાં આ કામગીરીને સૌથી મોટી અને મહત્ત્વની કામગીરી માનવામાં આવે છે. ખોટા બેંક એકાઉન્ટ થકી આટલી મોટી રકમ અગાઉ મળી હોય એવું ધ્યાને નથી. આ સમગ્ર કેસને લઈને પોલીસે અપીલ કરી છે કે, કોઈ અજાણ્યા લોકોને તમારા બેંક ખાતાની વિગત ન આપો અને કોઈના પર વિશ્વાસ કરીને બેંકનું નવું ખાતું ન ખોલાવો. બેંકનું ખાતું ખોલાવા માટે બેંકમાં જઈને પૂછપરછ અને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનો આગ્રહ રાખો. હજુ બીજા કેટલા લોકોના ખાતા આ ટુકડી સાથે જોડાયેલા છે અને ક્યાં ક્યાં આર્થિક વ્યવહાર કર્યા છે એ અંગે પોલીસ પૂછપરછ કરશે અને કાયદેસરના પગલાં લેશે.