Thu Sep 03 2026

Logo
IPL 2026:

કૉએટ્ઝીને બે કરોડમાં કોઈએ નહોતો ખરીદ્યો, હૈદરાબાદે હવે એ જ ભાવે મેળવી લીધો

2026-04-18 18:06:07
Author: Ajay Motiwala
કૉએટ્ઝીને બે કરોડમાં કોઈએ નહોતો ખરીદ્યો, હૈદરાબાદે હવે એ જ ભાવે મેળવી લીધો

હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદે અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા સાઉથ આફ્રિકાના પેસ બોલર જેરાલ્ડ કૉએટ્ઝી (Coetzee)ને ઈજાગ્રસ્ત ડેવિડ પેઇનના સ્થાને પોતાની ટીમમાં સમાવી લીધો છે. કૉએટ્ઝીને 2026ની આઇપીએલ-સીઝન માટેની હરાજીમાં બે કરોડ રૂપિયા (2,15,975 ડૉલર)ની મૂળ કિંમતે એક પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો, પણ હવે હૈદરાબાદને તે એ જ ભાવે મળી ગયો છે.

એડવર્ડ્સને બદલે પેઇન મેળવ્યો હતો અને હવે...

ઇંગ્લૅન્ડના લેફ્ટ-આર્મ પેસ બોલર ડેવિડ પેઇન (Payne)ને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. વર્તમાન સીઝનમાં પેઇન હૈદરાબાદ વતી બે મૅચ રમ્યો જેમાં તે બે વિકેટ લઈ શક્યો હતો. હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીએ પેઇનને ઈજાગ્રસ્ત જૅક એડવર્ડ્સના સ્થાને મેળવ્યો હતો. જોકે હવે ખુદ પેઇનને ઈજા થઈ છે અને તેના સ્થાને કૉએટ્ઝીને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે.

કૉએટ્ઝીનો આંતરરાષ્ટ્રીય અને આઇપીએલ પર્ફોર્મન્સ

જેરાલ્ડ કૉએટ્ઝી સાઉથ આફ્રિકા વતી ચાર ટેસ્ટ, 14 વન-ડે અને 18 ટી-20 રમી ચૂક્યો છે જેમાં તેણે કુલ 67 વિકેટ લીધી છે. ભૂતકાળમાં તે આઇપીએલમાં કુલ 14 મૅચ રમ્યો છે જેમાં કુલ 14 મૅચમાં 15 વિકેટ મેળવી છે. તે મુંબઈ ઇન્ડિયન્સ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ વતી પણ રમ્યો છે.

દરમ્યાન, હૈદરાબાદનો મુખ્ય કૅપ્ટન પૅટ કમિન્સ હવે ઈજામુક્ત થઈને પાછો રમવા આવી રહ્યો છે. તે મોટા ભાગે પચીસમી એપ્રિલે રાજસ્થાન સામે રમાનારી મૅચથી કમબૅક કરશે.