(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ નજીક છે ત્યારે આ વર્ષે પણ પ્લાસ્ટર ઑફ પેરિસ (પીઓપી)ની બનેલી ગણેશમૂર્તિના વિર્સજનને લઈને સરકારના ધોરણને લઈને ગણેશ મંડળો મૂંઝવણમાં છે ત્યારે ગયા વર્ષની માફક આ વર્ષે પણ બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની મૂર્તિઓને દરિયામાં વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે એવી માગણી કરી છે.
પીઓપી મૂર્તિઓના વિસર્જનનો મુદ્દો કોર્ટમાં હોવાથી સરકાર તેના પર નક્કર અને સ્પષ્ટ વલણ અપનાવે તેવી માગણી પણ બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ દ્વારા કરવામાં આવી હતી. મુંબઈમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની વિવિધ સમસ્યાઓ, માગણીઓ અને આયોજન અંગે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિની એક બેઠક દાદરમાં યોજાઈ હતી. આ બેઠકમાં મુંબઈ અને ઉપનગરના સાર્વજનિક ગણેશોત્સવ મંડળોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ મંડળોની સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર અને વહીવટીતંત્ર સાથે અસરકારક રીતે ફોલોઅપ કરવાનો નિર્ણય લીધો હતો.
આ બેઠકમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની મૂર્તિઓને દરિયામાં વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે એ બાબતે મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી. સમિતિએ એવો અભિપ્રાય આપ્યો હતો કે દરિયામાં ગોળાકાર રીતે વિસર્જન કરવાનો વિકલ્પ ખાસ કરીને મોટા કદની મૂર્તિઓના વિસર્જન માટે આ વર્ષે પણ અમલમાં મૂકવો જોઈએ. દરમ્યાન પીઓપી મૂર્તિઓના વિસર્જનનો મુદ્દો કોર્ટ પ્રક્રિયામાં હોવાથી સરકાર તેના પર નક્કર અને સ્પષ્ટ વલણ અપનાવે તેવી માગણી બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ દ્વારા મુખ્ય પ્રધાનને કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગયા વર્ષે દરિયામાં ઊંચી મૂર્તિઓના વિસર્જન માટે કરવામાં આવેલી ભલામણનો અમલ કરવામાં આવ્યો હતો. જોકે આ વર્ષના ઉત્સવ માટે તમામ સંબંધિત પક્ષો સાથે સમયસર ચર્ચા થઈ ન હોવાને કારણે સમસ્યાઓ ફરીથી ઊભી થઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહીબાવકરે જણાવ્યું હતું કે આ બેઠકમાં મંડળોએ રસ્તાઓ પરના ખાડા, ખુલ્લા કેબલ વાયર, ઝાડની ડાળીઓ, લાઉડસ્પીકરનો સમય, ટ્રાફિક વ્યવસ્થા, પોલીસ વ્યવસ્થા, વીજળી અને મ્યુનિસિપલ વિભાગ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. દહીબાવકરે સ્પષ્ટતા કરી કે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ આ ફરિયાદો લેખિતમાં લેવા અને સંબંધિત વિભાગો સાથે તાત્કાલિક ફોલોઅપ કરવાની ખાતરી આપી છે.