Fri Jun 12 2026

Logo

ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી, ચારધામ યાત્રાથી આવેલા મહિલાનો કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ

2026-06-12 09:33:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ  ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. ચાર ધામની યાત્રાથી આવેલા મહિલાનો કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ ફેલાયો છે. મળતી વિગત પ્રમાણે, ગાંધીનગરના સરગાસણમાં રહેતી 51 વર્ષીય મહિલા ચાર ધામની યાત્રાએથી પરત આવ્યા બાદ બીમાર પડ્યા હતા. 

રિપોર્ટ પોઝિટિવ આવતાં ફફડાટ

મહિલામાં શરદી, ઉધરસ અને સતત તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા અને તબિયત વધુ લથડાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કોરોનાનો રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ફફડાટ ફેલાયો હતો. 

પરિવારના સભ્યોને નથી લાગ્યો ચેપ

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને મહિલાના સંપર્કમાં આવેલા પરિવારના અન્ય સભ્યોના પણ કોરોના ટેસ્ટ કર્યા હતા. જોકે પરિવારના કોઈ સભ્યને ચેપ ન લાગ્યો હોવાનું સામે આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. 

14 મહિના બાદ ફરી કોરોનાની એન્ટ્રી

ગાંધીનગરમાં એક વર્ષ બાદ કોરોનાની સત્તાવાર એન્ટ્રી થઈ હતી. શહેરમાં છેલ્લા એપ્રિલ, 2025માં કોરોનાનો એક્ટિવ કેસ નોંધાયો હતો. જે બાદ એકપણ કેસ ન નોંધાતા શહેર કોરોનામુક્ત બન્યું હતું. 14 મહિનાના લાંબા સમયગાળા બાદ ફરી કોરોનાની એન્ટ્રીથી આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું હતું અને અન્ય રાજ્યો કે પ્રવાસથી પરત ફરતાં લોકોને ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી.

આરોગ્ય વિભાગના સત્તાવાર ડેટા મુજબ, મહામારી સમયે રાજ્યમાં કોરોનાથી આશરે 11,000 લોકોના મોત થયા હતા. તેમજ 8 લાખથી વધુ લોકો સંક્રમિત થયા હતા. સરકારના આંકડા પર રાજકીય પક્ષોએ સવાલ ઉઠાવ્યો હતો. કૉંગ્રેસના દાવા મુજબ, કોવિડની બીજી લહેર દરમિયાન રાજ્યમાં થયેલા વાસ્તવિક મોતનો આંકડો અઢીથી ત્રણ લાખની આસપાસ હતો.