Fri Oct 02 2026

Logo

સ્વતંત્રતા સેનાની: કમલા નહેરુ

2026-10-01 07:31:00
Author: Tina Doshi
સ્વતંત્રતા સેનાની: કમલા નહેરુ

ટીના દોશી

નામ: કમલા નહેરુ   
ઓળખ:સ્વતંત્રતા સેનાની 
ટપાલ ટિકિટ બહાર પાડ્યાની તારીખ : 1.8.1974 
ટિકિટનું મૂલ્ય : 25 પૈસા   

કમલા કાંઈ નવી નવાઈનું નામ નથી. સાવ સાધારણ નામ છે. શોધવા નીકળો તો કંઈકેટલીયે કમલા જડી આવે. પણ કમલા નામ સાથે નહેરુ અટક જોડાઈ જાય તો આ નામ આપોઆપ અસાધારણ બની જાય છે!

વાત છે કમલા નહેરુની. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનાં પત્ની કમલાની. ભારતનાં એકમાત્ર મહિલા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનાં માતા કમલાની. પરંતુ માત્ર પત્ની અને માતા તરીકેની ઓળખ આપવી એ કમલાને અન્યાય કર્યો કહેવાશે. કમલાની અધૂરી ઓળખ ગણાશે. કમલાનું પોતાનું આગવું વ્યક્તિત્વ હતું. આગવી ઓળખ હતી. એ ઓળખ સ્વતંત્રતા સેનાની તરીકેની છે!

કમલા નહેરુ મહાન દેશભક્ત હતાં. સાહસી અને નીડર. ભારતના આઝાદી આંદોલનમાં કમલા નહેરુએ સૈનિક તરીકેની કામગીરી કરેલી. અસહયોગ આંદોલન, નમક સત્યાગ્રહ  અને અન્ય કાર્યક્રમોમાં સહભાગી થઈને, જેલવાસ ભોગવીને કમલાએ આઝાદીના યજ્ઞમાં આહુતિ આપેલી. ભારત સરકારે કમલા નહેરુના અમૂલ્ય યોગદાનને બિરદાવવા 1 ઑગસ્ટ 1974ના રોજ 25 પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી.  

આ કમલા નહેરુનો જન્મ દિલ્હીમાં રહેતા કાશ્મીરી કુટુંબમાં થયો. જન્મતારીખ 1 ઑગસ્ટ 1899. પિતા જવાહરમલ કૌલ. માતા રાજપતિ કૌલ. એમનાં ચાર સંતાનોમાં કમલા જ્યેષ્ઠ. તત્કાલીન સમયમાં ક્ધયાઓના પગ સામાજિક રીતરિવાજો અને કુરૂઢિઓની બેડીથી બંધાયેલા. એટલે કમલાનું શિક્ષણ ઘેર જ થયું. હિંદી ભાષા શીખ્યાં, પણ અંગ્રેજી કાળા અક્ષર ભેંસ સમાન. 

કમલા સુંદર, સુશીલ અને સંસ્કારી હતાં. કમલાની તેર વર્ષની વયે એમને એક કાશ્મીરી પંડિતના ઘેર ભોજનસમારંભમાં મોતીલાલ નહેરુએ જોયા. મોતીલાલ અલાહાબાદના નામાંકિત વકીલ હતા. વૈભવશાળી. લખલૂટ સંપત્તિની ઝાકમઝોળ  ધરાવતા. મોતીલાલ પોતાના એકના એક દીકરા જવાહર માટે ક્ધયારત્નની શોધમાં હતા. કમલાને જોતાંવેંત એમની ખોજનો અંત આવ્યો. કમલાને જવાહરની જીવનસંગિની બનાવવાનો નિર્ણય કર્યો. 

દિલ્હીથી અલાહાબાદ પાછા ફર્યા બાદ એમણે જવાહરને લખ્યું: કમલાનો ચહેરામહોરો એટલો સુંદર છે કે બીજી કોઈ પણ ક્ધયા એની પાસે પાણી ભરે. વળી એ ખાસ્સી સમજદાર પણ છે. મોતીલાલ પોતાનો નિર્ણય પુત્ર પર ઠોકી બેસાડવામાં માનતા નહોતા. એમણે કમલાનું એક ચિત્ર પણ જવાહરને પાઠવ્યું. જવાહર ચિત્ર જોઈને પ્રસન્ન થયા. લગ્ન માટે સંમતિ આપી દીધી. 

જવાહર વેરે પરણીને કમલા અલાહાબાદ આવ્યાં. એક નવી જ દુનિયામાં પ્રવેશ કર્યો. કમલા કોઈ ગરીબ પરિવારનાં નહોતાં, પણ ગર્ભશ્રીમંત નહેરુ પરિવાર સાથે પિયરની કોઈ તુલના નહોતી. અલાહાબાદના એક વિશાળ રસ્તાને કિનારે મોતીલાલ નહેરુનું આલીશાન મહાલય ‘આનંદ ભવન’ ગર્વભેર ઊભેલું.પિયરમાં પરંપરાગત વિચારોનું ચલણ હતું અને સાસરિયામાં આધુનિક જીવનશૈલીને પ્રાધાન્ય અપાતું. નહેરુ કુટુંબ અને કૌલ કુટુંબની રહેણીકરણીમાં જમીનઆસમાનનું અંતર હતું. ધરતી અને સૂર્ય વચ્ચે હોય એટલું. મોતીલાલ નહેરુ આ બાબત નહોતા સમજતા એવું નહોતું,પણ કમલાની કોઠાસૂઝ પર એમને ભરોસો હતો. કમલા પર એમણે વિશ્વાસ મૂક્યો. બહુ ઓછા ગાળામાં કમલાએ પરિવારજનોના દિલમાં સ્થાન બનાવી લીધું. જવાહરલાલ નહેરુના હૃદયમાં પણ. 

દરમિયાન, 1919-’20ના અરસામાં ભારતીય રાજકારણમાં મહાત્મા ગાંધીનો ઉદય થયો. એમના નેતૃત્વમાં આઝાદીની લડાઈએ નવો વળાંક લીધો. આ વળાંક પર જવાહરનું જીવનવહેણ પણ બદલાયું. કમલા-જવાહર આઝાદી આંદોલનમાં જોડાયાં. આ ગાળામાં સવિનય કાનૂનભંગની ચળવળ થઈ. કાનૂનભંગ કરવો અને પોતાના બચાવમાં કાંઈ પણ કહ્યા વિના સરકાર જે સજા કરે એનો સ્વીકાર કરવો એવું નક્કી કરાયેલું. આ કાર્યક્રમને પગલે મોતીલાલ, જવાહરલાલ તથા ઉત્તર પ્રદેશના અગ્રીમ હરોળના નેતાઓની ધરપકડ કરાયેલી. સર્વોચ્ચ નેતાઓ જેલમાં હોવાથી અલાહાબાદમાં આંદોલનનું સુકાન કમલાને સોંપાયું. 

સુકાની તરીકે  આંદોલનની  જવાબદારી  કમલાએ સુપેરે પાર પાડી. બળબળતી બપોરે એ મહિલાઓને ટુકડી સાથે વિલાયતી વસ્ત્રો વેચતી દુકાનો સામે જઈને પિકેટિંગ કરતાં. ઘરઘરના પુરુષવર્ગને સમજાવ્યો કે બહેનો પિકેટિંગ કરે એમાં કાંઈ ખોટું નથી. આ રીતે રાષ્ટ્રીય લડતમાં જોડાવા બહેનોને ઘરમાંથી બહાર કાઢી, પણ સારા કામમાં સો વિઘ્ન આવે એમ પિકેટિંગના કામમાં પણ અંતરાય ઊભા થતા. ક્યારેક કોઈ બહેન એક દિવસ પિકેટિંગમાં જોડાય તો બીજે દિવસે એ ઘરની બહાર ન નીકળે એ માટે પરિવારજનો મકાનના દ્વાર અંદરથી બંધ કરી દેતા. 

કુટુંબીજનો એવું વિચારતાં કે સારા ઘરની સ્ત્રીઓ દુકાને જઈને ઊભી રહે તો લોકોમાં હાંસીપાત્ર બનશે, પણ બહેનોને કમલામાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેઓ પરિવારજનોને સમજાવીને પિકેટિંગ માટે પહોંચી જ જતી. ધીરે ધીરે સહુને સમજાવા માંડ્યું કે પિકેટિંગ તો આઝાદીના રાષ્ટ્રીય યજ્ઞમાં અર્ઘ્યમાત્ર છે. એથી બહેનો પિકેટિંગ કરે એ સામેનો વિરોધ દૂર થઈ ગયો. 

પિકેટિંગ કરતી બહેનો દુકાનની બહાર કતારમાં ઊભી રહી જતી. સૌથી આગળ કમલા. જે કોઈ વિલાયતી વસ્ત્રો ખરીદવા આવે તેને ખરીદી ન કરવા સમજાવતાં. ગ્રાહક પાછા ફરી જતા. ક્યારેક તો પિકેટિંગ કરતી બહેનો પહોંચે કે તરત  દુકાનદારો જ દુકાન બંધ કરી દેતા. બહેનો પિકેટિંગનો જોમ-જુસ્સો જળવાઈ રહે એ માટે દેશભક્તિના નારા લગાવતાં. ગીત પણ ગાતાં: પિકેટિંગનો પ્રયાસ અને પ્રયોગ સફળ થયા પછી કમલાએ આઝાદી આંદોલનમાં ઘણી મહત્ત્વની જવાબદારીઓ નિભાવી. 

નમક સત્યાગ્રહમાં ભાગ લીધો. એક વાર જવાહરલાલ નહેરુ અંગ્રેજો વિરુદ્ધ ભાષણ કરી રહેલા ત્યારે જ પોલીસે એમની ધરપકડ કરી. એ વખતે કમલા આગળ આવ્યાં અને ખુદ અધૂરું ભાષણ પૂરું કર્યું. સ્વરાજ કાજે કમલાએ જેલવાસ પણ ભોગવ્યો. દેશ ખાતર ફના થઈ જવાની એમની તૈયારી હતી. જોકે સ્વાસ્થ્યે સાથ ન આપ્યો. સ્વિટ્ઝર્લેન્ડમાં 28 ફેબ્રુઆરી 1936ના ક્ષયની બીમારીથી માત્ર સાડત્રીસ વર્ષની ઉંમરે એમનું નિધન થયું. 

નાની વયે મૃત્યુ પામેલાં, પણ દેશ માટે મોટું કામ કરનાર કમલા ભારતનાં એકમાત્ર એવાં મહિલા હતાં જેના પતિ જવાહરલાલ નહેરુ પણ વડા  પ્રધાન બન્યા અને પુત્રી ઇન્દિરા ગાંધી પણ!