અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાંથી અનેક લોકો અમેરિકા ભણવા ગયા બાદ સ્થાયી થયા છે. જોકે કેટલાક લોકો ક્યારેક કાયદાની ચુંગાલમાં ફસાયા બાદ પરત ફરવું પડે છે. ઉત્તર ગુજરાતના પરિવારનું અમેરિકન સપનું ચકનાચૂર થઈ ગયું હતું. પત્નીને અમેરિકામાં આશ્રય મળ્યો હતો. જ્યારે પતિને ભારત ડિપોર્ટ કરાયો હતો.
શું છે મામલો
રસપ્રદ વાત એ છે કે, આ વ્યક્તિની પત્ની અમેરિકામાં આશ્રય (Asylum) જીતી ગઈ છે અને દંપતીને જોડિયા બાળકો પણ છે, જેઓ જન્મથી જ અમેરિકન નાગરિક છે. અમેરિકામાં રહેતા ઘણા બિનદસ્તાવેજી ગુજરાતીઓ માટે એસાયલમ છેલ્લી આશા માનવામાં આવે છે; જોકે, આ કિસ્સામાં આશ્રય મળવા છતાં આ દંપતીના અમેરિકન સ્વપ્નને તૂટતું બચાવી શકાયું નથી.
કેશમાં કામ કરવાનું ભારે પડ્યું
ઉત્તર ગુજરાતના એક નાના શહેરનો યુવક 2015માં સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં ગયો હતો. વિદેશ જવા માટે લીધેલા દેવાના બોજ હેઠળ તેણે અભ્યાસ છોડીને ગેસ સ્ટેશન પર કેશમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 2017ની શરૂઆતમાં, ફેડરલ સત્તાવાળાઓએ પેટ્રોલ સ્ટેશન પર દરોડો પાડ્યો હતો અને યુવક સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી. તેની સામે કેસ નોંધાયો અને કોર્ટમાં હાજર રહેવા સૂચના અપાઈ હતી, પરંતુ યુવક ઇલિનોઇસ ભાગી ગયો, જ્યાં તેણે બીજું કામ શોધી લીધું અને નવેસરથી જીવન શરૂ કર્યું હતું.
ગુજરાતમાં રહેતી યુવતી સાથે સગાઈ કરી 50 લાખ ખર્ચી અમેરિકા બોલાવી
આ દરમિયાન, તેની સગાઈ ગુજરાતમાં રહેતી યુવતી સાથે થઈ હતી. યુવક ભારત પરત આવી શકે તેમ ન હોવાથી એક વિઝા એજન્ટે તેનાની ટ્રાવેલ પ્રોફાઇલ બનાવીને તેને માર્ચ 2018માં 50 લાખ રૂપિયામાં વિઝિટર વિઝા અપાવ્યા હતા. યુવતી અમેરિકા પહોંચી અને ટૂંક સમયમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.
યુવતીએ ગુજરાતમાં ઓનર કિલિંગની આશંકા દર્શાવી આશ્રય અરજી કરી
બંનેએ કાયદેસર રીતે પ્રવેશ કર્યો હોવા છતાં યુવકનો દરજ્જો ગેરકાયદે થઈ ચૂક્યો હતો અને યુવતીની વિઝાની મુદત પણ પૂરી થવા આવી હતી. જાન્યુઆરી 2019માં યુવતીએ આશ્રય માટે અરજી કરી. તેણે દાવો કર્યો કે ભારતમાં એક મુસ્લિમ યુવક સાથેના કથિત સંબંધોને કારણે તેના પરિવાર તરફથી તેને ખતરો છે અને 'ઓનર કિલિંગ' ની ધમકી મળી રહી છે. આ આધારે તેને વર્ક પરમિટ અને સોશિયલ સિક્યુરિટી નંબર મળ્યા હતા.
તે જ વર્ષે, દંપતીને ત્યાં જોડિયા બાળકોનો જન્મ થયો, જેઓ અમેરિકામાં જન્મ્યા હોવાથી ત્યાંના નાગરિક બન્યા હતા. 2021માં સુનાવણી શરૂ થઈ અને 2024માં યુવતીના આશ્રયનો કેસ મંજૂર થયો હતો. યુવતીએ ગ્રીન કાર્ડ માટે અરજી કરી અને પરિવારને આશા હતી કે યુવતી દ્વારા યુવતીની સ્થિતિ પણ કાયદેસર થઈ જશે.
જોકે, 2017ના ગુનાહિત કેસમાં યુવક ક્યારેય કોર્ટમાં હાજર ન થયો હોવાથી ફેડરલ રેકોર્ડમાં તેનું નામ બોલતું હતું. સપ્ટેમ્બર 2025માં શિકાગોમાં ઈમિગ્રેશન અધિકારીઓએ તેની અટકાયત કરી હતી. મહિનાઓ સુધી કસ્ટડીમાં રહ્યા બાદ, કંટાળીને યુવકે ડિસેમ્બર 2025માં સ્વૈચ્છિક દેશનિકાલ (Voluntary Removal) પેપર પર સહી કરી દીધી હતી.
ફેબ્રુઆરી 2026માં યુવકને ગુજરાત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં તે અત્યારે ઉત્તર ગુજરાતમાં તેના માતા-પિતા સાથે રહે છે. જ્યારે પત્ની હજુ પણ અમેરિકામાં છે અને તેના બે બાળકોનો એકલા હાથે ઉછેર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓ અને ભારતીયોને ઘરભેગા કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતના 300થી વધુ લોકોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે.