Mon Sep 07 2026

Logo

૫.૫૫ કરોડના ખંડણીકાંડમાં કચ્છ પોલીસને સફળતાઃ પંજાબથી મુખ્ય સુત્રધાર સહિત 5 ઝબ્બે, અત્યાર સુધી રૂ.૩.૬૮ કરોડથી વધુ રિકવર

2026-08-08 12:47:00
Author: Mumbai Samachar Team
૫.૫૫ કરોડના ખંડણીકાંડમાં કચ્છ પોલીસને સફળતાઃ પંજાબથી મુખ્ય સુત્રધાર સહિત 5 ઝબ્બે, અત્યાર સુધી રૂ.૩.૬૮ કરોડથી વધુ રિકવર

ભુજઃ પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામ શહેરના એક જાણીતા શિપિંગ બિઝનેસમેનનું અપહરણ કરી, તેને ઢોરમાર મારીને દુબઈ રહેતા તેના ભાઈ પાસેથી વિડિયો કોલ મારફતે રૂ.૫.૫૫ કરોડની ખંડણી વસૂલવાના રાજ્યભરમાં ચર્ચાસસ્પદ કિસ્સામાં પૂર્વ કચ્છ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે પંજાબથી મુખ્ય સૂત્રધાર સહિત વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી અત્યાર સુધીમાં કુલ રૂ.૩.૬૮ કરોડથી વધુની રકમ રિકવર કરી લીધી છે.

શિપિંગ વેપારી દિલીપ મજેઠીયાને બંધક બનાવી તેના ભાઈ નરેશ ઉર્ફે લાલો પાસેથી ખંડણી વસૂલવાનું કાવતરું દિલીપના જ મિત્ર હર્ષ સદાદપુરીએ ઘડ્યું હતું. હર્ષે દિલીપનું અપહરણ કરવાનો કોન્ટ્રાક્ટ મુખ્ય આરોપી જાવેદ અભુ સાયચાને સોંપ્યો હતો, જેમાં તેણે સોહિલ બુચડ અને રીઝવાન કીચાને સાથે રાખ્યા હતા. ગુનાને અંજામ આપ્યા બાદ ત્રણેય રાજ્ય બહાર ફરાર થઈ ગયા હતા.

ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસની મદદથી પોલીસે ભટિંડાથી જાવેદ, સોહિલ અને રીઝવાનની ધરપકડ કરી છે. આ ઉપરાંત, વસૂલેલા યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરનારા જામનગરના મુનાવર મન્સુર બુચડ અને અમદાવાદના નાગજી દેસાઈને પણ ઝડપી લેવાયા છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૫૭.૫૦ લાખ રોકડા તેમજ લાખો રૂપિયાના યુએસડીટી વોલેટ ફ્રીઝ કર્યા છે. અગાઉ જપ્ત કરાયેલી રકમ મિલાવીને પોલીસે ૧૭ દિવસના ટૂંક સમયમાં જ કુલ રૂ ૪,૧૩,૩૧,૮૨૫ (૭૫ ટકા રકમ) રિકવર કરવામાં સફળતા મેળવી છે. ૨૧ જુલાઈના રોજ બનેલા આ બનાવમાં અત્યાર સુધીમાં કુલ ૧૫ આરોપીઓ જેલ ભેગા થયા છે, જ્યારે તેમની પાસેથી રૂ.૧૦ લાખના ૩૦ મોબાઈલ ફોન અને રૂ ૧૨ લાખની જીપ પણ જપ્ત કરવામાં આવી છે.

ઉત્સવ વૈદ્ય