મેક્સિકો સિટીઃ 23મા ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપની શરૂઆત ભવ્ય થવી જોઈતી હતી, પરંતુ એને બદલે પહેલા જ દિવસે આ વિશ્વ કપ વિવાદો અને સવાલોમાં ઘેરાઈ ગઈ. એક તરફ મેક્સિકો સિટીના ઐતિહાસિક એઝટેકા સ્ટેડિયમમાં રંગારંગ ઉદ્ઘાટન સમારોહ અને યજમાન મેક્સિકોની જીતનો જશન જોવા મળ્યો ત્યાં બીજી તરફ સ્ટેડિયમમાં ખાલી સીટો, મોંઘીદાટ ટિકિટો અને રસ્તાઓ પરના તોફાનોએ ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફૂટબૉલ અસોસિયેશન (ફિફા)ની મુશ્કેલી વધારી દીધી છે.
મેક્સિકો સિટીમાં (ભારતીય સમય અનુસાર ગુરુવારે મધરાત બાદ) મેક્સિકોએ સાઉથ આફ્રિકાને પ્રથમ મૅચમાં 2-0થી હરાવ્યું હતું. ત્યાર બાદ ઝૅપોપૅન શહેરમાં બીજી મૅચમાં સાઉથ કોરિયાએ ચેક રિપબ્લિક (ચેકિયા)ને 2-1થી પરાજિત કરીને મેક્સિકોની માફક ત્રણ પૉઇન્ટ મેળવ્યા હતા. જોકે મુખ્ય વાત એ છે કે સાઉથ કોરિયા અને ચેકિયા વચ્ચેની મૅચ દરમ્યાન સ્ટેડિયમ (Stadium)માં (ખાસ કરીને વીઆઇપી સ્ટૅન્ડમાં) મોટા ભાગની સીટ ખાલી હતી.
સ્ટેડિયમના આયોજકોએ દાવો કર્યો હતો કે 45,664માંથી 44,985 સીટમાં પ્રેક્ષકો બેઠા હતા. જોકે ટીવી પ્રસારણની તસવીરો પરથી કંઈક જુદી જ સ્ટોરી જાણવા મળી. સાઉથ કોરિયાએ જોરદાર કમબૅક કરીને ચેકિયાને છેવટે 2-1થી હરાવી દીધું હતું, પણ આ મુકાબલા કરતાં વધુ ચર્ચા ખાલી સીટો વિશેની હતી. ઇંગ્લૅન્ડના એક જાણીતા અખબારમાં આ દાવો કરવામાં આવ્યો હતો.
ફિફા (Fifa)ના અધ્યક્ષ જિઆની ઇન્ફેન્ટિનોએ એપ્રિલમાં દાવો કર્યો હતો કે આ ટૂર્નામેન્ટ માટે 500 મિલિયન (50 કરોડ) ટિકિટની રિક્વેસ્ટ મળી છે. તેમના મુજબ પાછલા બે વર્લ્ડ કપ વખતે મળેલી કુલ 50 મિલિયન (પાંચ કરોડ) રિક્વેસ્ટ કરતાં 10 ગણી વધુ છે. જોકે વાસ્તવિક સ્થિતિ જુદી જ છે. ફિફાએ ટિકિટોની કિંમત ઘટાડવી પડી છે કે જેથી અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં વધુને વધુ પ્રેક્ષકોને સ્ટેડિયમ સુધી લાવી શકાય. પ્રેક્ષકોની ફરિયાદ છે કે ઓછી લોકપ્રિય મૅચોની ટિકિટ 300 ડૉલરથી પણ ઊંચા ભાવે વેચવામાં આવી રહી છે. ફિફાની સત્તાવાર પોર્ટલ પર હજારો ટિકિટો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. એ તો ઠીક, પણ મુખ્ય યજમાન દેશ અમેરિકાની પારાગ્વે સામેની શનિવારની મૅચ (ભારતીય સમય મુજબ સવારે 6.30 વાગ્યાથી)ની પણ બધી ટિકિટો વેચાઈ નહોતી.
જોકે મેક્સિકો સિટીમાં રમાયેલી પ્રથમ મૅચ વખતે અને એ પહેલાંની ઓપનિંગ સેરેમની વખતે સ્ટેડિયમ ફુલ-હાઉસ હતું. કુલ 80,824 પ્રેક્ષકોએ આ બે ઇવેન્ટ માણી હતી.