Tue Aug 18 2026

Logo

કાચા માલના ભાવ વધી આવતા ફર્ટિલાઈઝર ઉદ્યોગની સબસિડી વધારવાની માગ

2026-07-30 20:05:45
Author: Ramesh Gohil
Article Image

Chat GPT Generated Image


નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને કારણે કાચા માલના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા ફર્ટિલાઈઝર એસોસિયેશન ઑફ ઈન્ડિયા (એફએઆઈ)એ વર્તમાન ખરીફ મોસમ માટેના ન્યૂટ્રીઅન્ટ આધારિત સબસિડીના દર જે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે તેમાં વધારો કરવાની માગણી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે અગાઉ એપ્રિલ મહિનામાં સરકારે વર્ષ 2025-26ની ખરીફ મોસમ માટે ફોસ્ફરિક અને પોટાસિક (પી ઍન્ડ કે) ફર્ટિલાઈઝર માટે 12 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 41,534 કરોડની સબસિડીને મંજૂરી આપી હતી. તેમ જ વર્ષ 2026ની ખરીફ મોસમ માટે સરકારે નાઈટ્રોજન માટે કિલોદીઠ રૂ. 47.32, ફોસ્ફેટ માટે કિલોદીઠ રૂ. 52.76, પોટાશ માટે કિલોદીઠ રૂ. 2.38 અને સલ્ફર માટે કિલોદીઠ રૂ. 3.16 સબસિડીના દર નિર્ધારિત કર્યા હતા. 

સૂત્રોના જણાવ્યાનુસાર ટોચની ફર્ટિલાઈઝર કંપનીઓ જેમ કે ઈફક્ો, કોરોમંડલ ઈન્ટરનેશનલ, પારાદીપ ફોસ્ફેટ, ઈન્ડિયન પોટાશ લિ. અને ઈનોડરમાના અધિકારીઓએ ફર્ટિલાઈઝર એસોસિયેશન ઑફ ઈન્ડિયાની મુલાકાત લઈને મધ્યપૂર્વના દેશોની કટોકટીને કારણે મુખ્ય કાચા માલોની ઉપલબ્ધિ અને તેની સ્થાનિક સ્તરે ફર્ટિલાઈઝરના ઉત્પાદન પર થયેલી માઠી અસરોની સમીક્ષા કરવા અનુરોધ કર્યો હતો. 

કાચા માલના ભાવમાં 100થી 200 ટકાનો ઉછાળો આવ્યો અને અન્ય મુખ્ય ઈનપૂટ્સના ભાવ ત્રણથી ચાર ગણાં વધી આવ્યા છે. આમ કાચા માલના ભાવમાં થયેલા વધારાની સામે હાલની સબસિડીનું માળખું જોતા સ્થાનિક ઉત્પાદકો માટે ઉત્પાદન કરવું પોસાણક્ષમ ન હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું અને એસોસિયેશને ખાસ કરીને વર્તમાન ખરીફ મોસમ માટે નિર્ધારિત કરવામાં આવેલા ન્યૂટ્રીશન આધારિત સબસિડીનાં દરમાં સુધારો કરવા તાકીદે હસ્તક્ષેપ કરવા સરકારને અનુરોધ કર્યો છે. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2025-26માં દેશમાં ફર્ટિલાઈઝરનું કુલ ઉત્પાદન 517.49 લાખ ટનની સપાટીએ રહ્યું હતું. વધુમાં બેઠકમાં કાચા માલમાં થયેલા તીવ્ર વધારાને ધ્યાનમાં લેતા એનપી અને એનપીકે ફર્ટિલાઈઝરની પોસાણક્ષમતાની પણ ચકાસણી કરવામાં આવી હતી. એકંદરે ઉદ્યોગના અગ્રણીઓએ નોંધ્યું હતું કે હાલના સબસિડીના દર બદલાયેલા ઉત્પાદનખર્ચ સાથે તાલ મિલાવી નથી શકતા આથી આ જટીલ ખાતરોના સ્થાનિક ઉત્પાદનમાં સાતત્યતા જાળવવા સામે ચિંતા ઊભી થઈ છે. આથી એસોસિયેશને ખાસ કરીને એનપી અને એનપીકે ફર્ટિલાઈઝરનું સ્થાનિકમાં અવિરત ઉત્પાદન જળવાઈ રહે અને પોસાણક્ષમતા જળવાઈ રહે તે માટે સબસિડીનો તફાવત સરભર કરવા તાકીદે હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો છે. વધુમાં ઉદ્યોગે જણાવ્યું હતું કે એનપી અને એનપીકે ફર્ટિલાઈઝરના બજાર ભાવમાં વધારો યોગ્ય નથી કેમ કે તેની વપરાશી માગ પર નકારાત્મક અસર પડી શકે છે.