શ્યોપુરઃ મધ્ય પ્રદેશના શ્યોપુરમાં એક એવી ઘટના બની છે જેને ઓર્ગેનિક ફૂડ પર સવાલ ઊભા કરી દીધા છે. આ ચોંકાવનારી ઘટનામાં ફરી એકવાર ખાદ્ય પદાર્થો અને શુદ્ધતાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. શ્યોપુરમાં તરબૂચ ખાધા બાદ પિતાનું મોત નીપજ્યું છે જ્યારે પુત્રની સ્થિતિ ગંભીર છે. તરબૂત ખાવાથી મોત નીપજ્યાનો કેસ સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. આ કેસમાં મૃત્યુ પાછળું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે. હાલમાં તો તરબૂચ ખાધા બાદ મોત નીપજ્યાનું ચર્ચામાં છે.
તરબૂચ ઝેરી હોવાની આશંકા
લોકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, તરબૂચ ઝેરી હોઈ શકે છે અથવા તરબૂચમાં કોઈ કેમિકલ હોઈ શકે છે. આ ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે સક્રિય થઈ ગયું હતું. તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ઈન્દ્રકુમાર પરિહાર નિવાસી શાજાપુરમાં પોતાના પરિવાર સાથે શ્યોપુરમાં રહેતા હતા. ડ્રાઈવિંગ કામ કરતા ઈન્દ્રકુમારની ગુરૂવારની રાત્રે અચાનક તબિયત લથડી હતી. આ સાથે એમના પુત્રની તબિયત પણ લથડી હતી. શુક્રવારે ઈન્દ્રકુમાર અને 21 વર્ષના પુત્ર વિનોદે તરબૂત ખાધુ હતું. એ પછી બન્નેની તબિયત બગડી હતી.હાલત ગંભીર હોવાનું જણાતા બન્નેને શ્યોપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા હતા.
રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું
હોસ્પિટલમાં હાલાત ખરાબ થતા ઈન્દ્રકુમારને કોટા લઈ જવામાં આવ્યા હતા. જ્યારે કોટા લઈ જવામાં આવી રહ્યા હતા એ સમયે રસ્તામાં એમનું મોત થયું હતું. જ્યારે વિનોદની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાદ પરિવારજનો અણધાર્યા આઘાતમાં છે.મૃત્યુ થયાની જાણ થતા જ પરિવાર એમના મૃતદેહને લઈ ઉત્તર પ્રદેશના ઈટાવા જવા રવાના થયા હતા.
હાલમાં આ મામલે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. જિલ્લા હોસ્પિટલના સર્જન ડૉ. આરબી ગોયલે જણાવ્યું હતું કે, બન્ને લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.પેટમાં કોઈ ઈન્ફેક્શન હોઈ શકે છે. હાલમાં તપાસ ચાલું છે. આ પહેલા પણ મધ્ય પ્રદેશના છિંદવાડામાં તરબૂચ ખાવાથી મોત નીપજ્યાનો કેસ સામે આવ્યો હતો. 27 વર્ષના સિદ્ધાર્થ તામ્રકારનું તરબૂત ખાવાથી મોત નીપજ્યું હતું.