Fri Sep 04 2026

Logo

ખાંડની નિકાસ પર પ્રતિબંધઃ કોન્ટ્રાક્ટ થયેલ નિકાસના શિપમેન્ટની મંજૂરીની ઉદ્યોગની માગ

2026-05-15 19:56:57
Author: Ramesh Gohil
ખાંડની નિકાસ પર પ્રતિબંધઃ કોન્ટ્રાક્ટ થયેલ નિકાસના શિપમેન્ટની મંજૂરીની ઉદ્યોગની માગ

નવી દિલ્હીઃ ગઈકાલે સરકારે 13મી મેથી આગામી 30મી સપ્ટેમ્બર સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ સ્થાનિક ખાંડ ઉદ્યોગના સંગઠન ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ઈસ્મા)એ સરકારને કોન્ટ્રાક્ટ થયેલી ખાંડના નિકાસ માટેનાં શિપમેન્ટ મંજૂર કરવા માટે સરકારને અનુરોધ કર્યો છે. એસોસિયેશને  સરકારના નિકાસ પરનાં પ્રતિબંધ પાછળના તર્કને સ્વીકારતા જણાવ્યું હતું કે અચાનક મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે વિદેશી ખરીદદારો સાથે થઈ ગયેલા કોન્ટ્રાક્ટ પરિપૂર્ણ ન થવાથી મિલો માટે વ્યવહારુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. પહેલેથી જ પૂર્ણ થયેલા કરારના અમલને મંજૂરી આપવાથી સુવ્યવસ્થિત વેપાર સમાધાનને સરળ બનાવવામાં અને વૈશ્વિક બજારમાં ભારતી પુરવઠાકારોની વિશ્વસનિયતાને ટેકો આપવામાં મદદ મળી શકે છે, એમ એસોસિયેશનના ડિરેક્ટર જનરલ દિપક બલ્લાનીએ એક યાદીમાં જણાવ્યું હતું. 

ગત ઑક્ટોબરથી શરૂ થયેલી વર્ષ 2025-26ની ખાંડ મોસમમાં અનાજ મંત્રાલયે આરંભિક તબક્કામાં 15 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હતી. ત્યાર બાદ અતિરિક્ત પાંચ લાખ ટન ખાંડની નિકાસ મંજૂર કરી હતી જેમાંથી માત્ર 87,587 ટન ખાંડની નિકાસને મંજૂરી મળી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર અંદાજે 6.50 લાખ ટન ખાંડની નિકાસ થઈ ગઈ છે અને અંદાજે 40,000થી 60,000 ટન ખાંડની નિકાસ પાઈપલાઈનમાં છે જેના કોન્ટ્રાક્ટ અગાઉથી મંજૂર કરવામાં આવ્યા છે. ઈસ્માએ નોંધ્યું છે કે મૂળભૂત રીતે નિકાસને નવેમ્બર, 2025માં જ ઉત્પાદનના પ્રોત્સાહક અંદાજો ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં પ્રતિકૂળ હવામાનને કારણે શેરડીની ઊપજ ઓછી રહેતાં ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. એકંદરે ઉત્પાદનમાં ઘટ હોવા છતાં એસોસિયેશને વર્તમાન મોસમના અંતે પર્યાપ્ત માત્રામાં સ્ટોક રહેવાનો અંદાજ મૂક્યો હતો. 

વધુમાં અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ જણાવ્યું હતું કે નિકાસ પ્રતિબંધને કારણે સ્થાનિકમાં ખાંડની પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધિ રહેતાં તીવ્ર ભાવવધારો અટકશે અને મોસમના અંતે પણ પર્યાપ્ત સ્ટોક રહેશે. ઈથેનોલ માટે વિકેન્દ્રિત થયા બાદ વર્તમાન ખાંડ મોસમમાં ઉત્પાદનનો અંદાજ અગાઉના અંદાજથી ઘટાડીને 2.8 કરોડ ટનનો મૂકવામાં આવ્યો છે, જ્યારે સ્થાનિકમાં વપરાશી માગનો અંદાજ 2.83 કરોડનો મૂકવામાં આવ્યો છે, જ્યારે સાત લાખ ટનની નિકાસ થઈ ચૂકી હોવાથી મોસમના અંતે અથવા તો 30મી સપ્ટેમ્બરે 43 લાખ ટન અથવા તો બે મહિનાની વપરાશી માગ જેટલો સ્ટોક રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હોવાનું ઈસ્માના સેક્ટર હેડ અને વાઈસ પ્રેસિડૅન્ટ રચિત મહેતાએ જણાવ્યું હતું. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2026-27ની મોસમનું ભાવી પણ ધૂંધળું છે કેમ કે શક્યતઃ અલ નિનોની અસર હેઠળ શેરડીનું ઉત્પાદન ઓછું થતાં પુરવઠાસ્થિતિ તંગ રહેવાની શક્યતા પ્રબળ હોવાનું તેમણે ઉમેર્યું હતું.