Fri May 15 2026

Logo

ચાંદીમાં રૂ. 18,693નો કડાકો, સોનું રૂ. 2949 તૂટ્યું

2026-05-15 20:00:20
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે ક્રૂડતેલના ભાવમાં પણ ઉછાળો આવ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં બે ટકાનો અને ચાંદીના ભાવમાં છ ટકાનો કડાકો બોલાઈ ગયો હોવાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 18,693નો કડાકો બોલાઈ ગયો હતો. તેમ જ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2937થી 2949નો ઘટાડો આવ્યો હતો. જોકે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 17 પૈસા ગબડ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 18,693ના કડાકા સાથે રૂ. 2,68,500ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવઘટાડો જોવા મળ્યો હતો, જેમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2937 ઘટીને રૂ. 1,57,577 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2949ના ઘટાડા સાથે રૂ. 1,58,210ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ રોકાણકારોની છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 2.1 ટકાના ઘટાડા સાથે ગત પાંચમી મે પછીની નીચી આૈંસદીઠ 4551.81 ડૉલર આસપાસની સપાટીએ અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 2.8 ટકાના ઘટાડા સાથે 4556.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 6.3 ટકાના ગાબડાં સાથે ઔંસદીઠ 78.26 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

ગત એપ્રિલ મહિનામાં અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ અને ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થયો છે. વધુમાં તાજેતરમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ વધી આવતાં ફુગાવામાં વધારો થવાની ભીતિ અને ફુગાવો વધતાં અમેરિકી ફેડરલ રિઝર્વ માટે વ્યાજદરમાં કાપ મૂકવો મુશ્કેલ થાય તેમ હોવાથી.

તેમ જ આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધી આવતાં સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાનું સ્ટોન એક્સના વિશ્લેષક ઑ કોનેલે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં ક્રૂડતેલના ભાવમાં 7.8 ટકાનો વધારો થયો છે અને હાલ ભાવ બેરલદીઠ 109 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા છે. 

ક્રૂડતેલના ભાવવધારા સાથે ફુગાવામાં વધારો થવાની શક્યતા પ્રબળ રહેતાં હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં એવી અત્યંત પાતળી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.