મુંબઈઃ એક ચોક્કસ સમય બાદ બ્યૂટી ક્વિન તરીકે ઓળખાતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત બિગ સ્ક્રિન પર આવી રહી છે. 'મિસિસ દેશપાંડે' વેબ સીરિઝથી સતત ચર્ચામાં રહેલી એક્ટ્રેસ હવે ઓટીટી સ્ક્રિન પર આવવા તૈયાર છે. વેબસીરિઝ દ્વારા OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ પ્રોજેક્ટમાં માધુરીનો એક અલગ અવતાર જોવા મળ્યો હતો, જે ફેન્સે અગાઉ ક્યારેય જોયો નથી. હવે દૈનિક જીવન સાથે જોડાયેલી વાર્તા લઈને માધુરી 'મા બહેન' નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં એમની સાથે તૃપ્તિ ડમરી જોવા મળશે. આ ફિલ્મ 4 જૂનના રોજ નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે.
જન્મદિવસના દિવસે પોસ્ટર લૉંચ
શુક્રવારના રોજ મેકર્સે આ ફિલ્મનું એક પોસ્ટર લૉંચ કર્યું છે. માધુરી દીક્ષિતના જન્મદિવસના દિવસ પર આ એલાન કરવામાં આવ્યું અને ફિલ્મનું પોસ્ટર લૉંચ કરાયું. આ પોસ્ટરના કેપ્શનમાં એવું લખવામાં આવ્યું કે, ધક-ધક થઈ રહ્યું છે? તારીખ નોટ કરી લો, 4 જૂનના રોજ 'મા બહેન' રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રેખા, જયા અને સુષ્માની સ્ટોરી છે, જેનું જીવન રોલરકોસ્ટર રાઈડ જેવું છે. ક્યારેક અણધારી આફત તો ક્યારેક મોટી ઉથલ-પાથલ, હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે રસોઈઘરમાં ડેડબોડી મળે છે. હકીકત શું એ તો ફિલ્મ જોયા બાદ ખ્યાલ આવે પણ કંઈક એવું સત્ય છૂપાવવાના પ્રયાસમાં સ્ટોરી આગળ વધી જાય છે. સસ્પેન્સ સાથે કોમેડી છે અને ફિલ્મમાં માધુરીનો એક અલગ અવતાર જોવા મળી રહ્યો છે.
ફિલ્મ રાઈટ પર માધુરીએ હાથ અજમાવ્યો
આ ફિલ્મમાં રવિ કિશન એક મહત્ત્વનો રોલ પ્લે કરી રહ્યા છે. આ ફિલ્મના પાયામાં વિક્રમ મલ્હોત્રા અને સુરેશ ત્રિવેણી છે. સ્ટોરી સુરેશ ત્રિવેણીએ તથા પૂજા તોલાણીએ લખી છે. ફિલ્મના સંવાદ પણ આ બન્નેની જોડીએ લખ્યા છે. ફિલ્મના રાઈટિંગના થોડો ફાળો માધુરી દીક્ષિતનો પણ છે. અબંડેંટિયા એન્ટરટેઈનમેન્ટના સ્થાપક વિક્રમ મલ્હોત્રાએ કહ્યું કે, આ એક એવી સ્ટોરી છે જે પોતાના એક વિચારથી દર્શકોને પોતાની સાથે જકડી રાખે છે. કોમેડી અને હકીકત વચ્ચે એક પરિવાર, સમાજ અને ભેદભાવથી ભરેલી દુનિયામાં ટકી રહેવા લોકો જે વિકલ્પો રજૂ કરે છે. આ જ માહોલના કેન્દ્રમાં ફિલ્મની સ્ટોરી છે. જે માધુરી અને રવિ કિશનની આસપાસ ફરતી રહે છે. 'મિસિસ દેશપાંડે' બાદ માધુરીનો આ બીજો મોટો OTT પ્રોજેક્ટ છે. ફિલ્મનું ટ્રેલર લૉંચ થઈ ચૂક્યું છે.
માધુરી ફરી ફિલ્મી પ્રોજેક્ટ પર એક્ટિવ
ટ્રેલર પરથી એટલું કહી શકાય કે, ફિલ્મ કોમેડી છે અને ફિલ્મની વાર્તા ગમે તે સામાન્ય માણસને સ્પર્શે એવી છે. સુરેશ ત્રિવેણીએ આ પહેલા તુમ્હારી સુલ્લુ અને જલસા જેવી ફિલ્મો પણ લખી છે જે ખરેખર ભલે સુપર-ડુપર હીટ સુધી ન પહોંચી હોય પણ મિડલક્લાસની સ્ટોરી કહેવામાં પૂરી રીતે સફળ થઈ છે. માધુરી છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પ્રોજેક્ટ પર ફોક્સ કરી રહી છે. 'દેશપાંડે'ના શુટિંગ દરમિયાન પણ આ ફિલ્મ સાઈન કરી હોવાના વાવડ હતા. પણ આ પ્રોજેક્ટને લીઈને કોઈ એવું નામ આપવામાં આવ્યું ન હતું. નેટફ્લિક્સના સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું પ્રમોશન સ્પષ્ટપણે જોઈ શકાય છે.