નાગોયાઃ ભારતને ચાર મહિલા સ્પર્ધકોએ મંગળવારે જાપાનની એશિયન ગેમ્સ (Asian Games)માં ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટ્સનો પ્રથમ ગોલ્ડ મેડલ (Gold Medal) અપાવ્યો હતો.
કિરણ પહલ, પૂવમ્મા મચેટિરા, પ્રાચી અને વિથ્યા રામરાજે વિમેન્સ 4x400 રિલેમાં દેશને આ સિદ્ધિ અપાવી હતી. તેમણે આ દોડ ત્રણ મિનિટ, 29.69 સેકન્ડમાં પૂરી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બાહરિન તથા ચીનની સ્પર્ધકો અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવતાં સિલ્વર તથા બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

સુવર્ણચંદ્રક જીત્યા પછી ચારેય ભારતીય સ્પર્ધક બેહદ ખુશ હતી. એમાં ખાસ કરીને વિથ્યા રામરાજના માનવામાં જ નહોતું આવતું કે તેઓ ગોલ્ડ મેડલ જીતી છે. તે રિલે દોડ પૂરી કર્યા પછી નજીકની બેન્ચ પર જઈને બેસી ગઈ હતી અને તેની આંખોમાં હર્ષનાં આંસુ હતા. સાથી સ્પર્ધકો કિરણ પહલ અને પ્રાચી ચૌધરી તેની પાસે આવીને તેને હકીકતથી વાકેફ કરી રહી હતી કે `આપણે ગોલ્ડ મેડલ જીતી ગયાં છીએ.' ચોથી રનર પૂવમ્મા મચેટિરા તેમનાથી થોડે દૂર પ્રેક્ષકો સામે જીત સેલિબ્રેટ કરવામાં મગ્ન હતી.
એ પહેલાં, 4x400 મિક્સ્ડ રિલે દોડમાં ભારતને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો. ગુરિન્દરવીર સિંહ, અનિમેશ કુજુર, સ્નેહા સત્યનારાયણ અને હરિતા ભદ્રાએ આ દોડ 41.06 સેકન્ડમાં પૂરી કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
પુરુષોની 4x100 રિલે ફાઇનલમાં ધરમવીર ચૌધરી, વિશાલ થેન્નારાસુ, મનુ થેન્કીનાલિલ અને જય કુમારે ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવ્યો હતો તેમ જ તેમણે વિમેન્સ 4x400 રિલેમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મહિલા ટીમ સાથે મળીને ફોટો માટે યાદગાર પોઝ આપ્યો હતો.
