Fri Jun 12 2026

Logo

હાઈ-ટેન્શન વીજ લાઈન મુદ્દે મોરબી-સુરેન્દ્રનગરમાં ખેડૂતો આકરા પાણીએ; મુખ્યપ્રધાનને 'આપ'નો પત્ર

2026-06-11 21:33:06
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: ગુજરાતમાં હાલ સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિત અનેક જિલ્લામાં ખેતરોમાં વીજલાઇન મુદ્દે ખેડૂતો અને વીજકંપનીઓ સામસામે આવી ગયા છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામ બાદ મોરબી જિલ્લાના જેતપર ગામમાં  ખેતરોમાંથી પસાર થતી હાઈ-ટેન્શન વીજ લાઈનોના કામના વિરોધમાં ખેડૂતોએ આકરા પાણીએ છે.  

ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી કંપની દ્વારા તેઓને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ખેતરમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવા દેશે નહીં. જો કે ખેડૂતોએ પોલીસને સાથે રાખીને વીજકંપની દ્વારા બળજબરીથી કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.  તેના વિરોધમાં ખેડૂતોએ અણિયારી ટોલનાકા પર ચક્કાજામ કર્યો હતો અને  આ દરમિયાન પોલીસ અને આંદોલન કરી રહેલા ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતરોમાંથી પસાર થતી હાઈ-ટેન્શન વીજ લાઈનોના કામને કારણે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (આપ)  દ્વારા મુખ્ય પ્રધાનને પત્ર લખી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. પત્રમાં જણાવ્યા અનુસાર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર અને દ્વારકા જેવા જિલ્લાઓમાં પોલીસ બળનો ઉપયોગ કરીને ખેડૂતોને પોતાની જ જમીનમાં જતા રોકવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે. 'આપ' પક્ષે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે ખેડૂતો સાથે થઈ રહેલી આ અન્યાયી પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની જ છે.

'આપ'એ સરકાર સમક્ષ 10 માંગણીઓ  રજૂ કરી હતી. જેમાં રાજ્ય સ્તરે  'વળતર સમિતિ'નું ગઠન, ખેડૂતોને વન-ટાઈમ બજાર કિંમત આપવી,  મોબાઈલ ટાવરની જેમ માસિક વળતર ચૂકવવા, બાગાયતી પાકોના નુકસાન માટે વિશેષ વળતર નીતિ,  વૈજ્ઞાનિક ધોરણે પોલની ડિઝાઇન અને ઊંચાઈ નક્કી કરવી તેમજ વાયર તૂટવા કે અકસ્માતના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારને પૂરતું વીમા કવચ આપવાની માંગણીઓનો સમાવેશ થાય છે.