ભુજ: મોરબી-કચ્છ ધોરીમાર્ગ પર માળિયા મિયાણા તાલુકાના હરિપર ગામના પાટિયા નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કચ્છના કુળદેવી માં આશાપુરાના દર્શન કરીને પરત ફરી રહેલા દીવના એક પરિવારની ઇકો કારનું ટાયર અચાનક ફાટતાં કાર ડિવાઇડર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે ભટકાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ૭ વર્ષના બાળક સહિત એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગીર સોમનાથના અને હાલ દીવના રામનગર ખરા વિસ્તારમાં રહેતો કાપડિયા પરિવાર પોતાની ઇકો કાર લઈને કચ્છના પવિત્ર યાત્રાધામ માતાના મઢ ખાતે દર્શન કરવા ગયો હતો. દર્શન પૂરા કરીને આ પરિવાર દીવ તરફ પાછો ફરી રહ્યો હતો, ત્યારે હરિપર ગામની સીમમાંથી પસાર થતી વખતે ઇકો કારનું ટાયર એકાએક ફાટ્યું હતું. ટાયર ફાટતાં જ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર પૂરપાટ ઝડપે રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદીને સામેના ટ્રેક પર ચાલી ગઈ હતી.
આ જ સમયે સામેથી પસાર થઈ રહેલી એક ટ્રક સાથે કારનો ગંભીર અકસ્માત થયો હતો જેમાં કારમાં સવાર ૬ વ્યક્તિઓમાંથી ચારના ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાઈ ગયા હતા. મૃતકોમાં કાર ચાલક ભરતકુમાર વીરજીભાઈ બાંભણિયા (ઉ.વ. ૫૦), કંચનબેન વીરજીભાઈ બાંભણિયા (ઉ.વ. ૬૦), મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (ઉ.વ. ૫૦) અને માસૂમ બાળક જીવાંશુ મનોજ કાપડિયા (ઉ.વ. ૭)નો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા (ઉ.વ. ૩૫) અને તેમની પુત્રી વૈદર્શી મનોજભાઈ કાપડિયા (ઉ.વ. ૧૨)ને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણ થતાં જ માળિયા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, હાઇવે પર અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેઇન વડે હટાવીને ટ્રાફિક જામની સ્થિતિ હળવી કરી હતી.
(ઉત્સવ વૈદ્ય)