(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે શેરબજારોમાં ગુરુવારે સતત ચોથા દિવસે પણ ઘટાડો ચાલુ રહ્યો હતો. અમેરિકાના સતત હુમલા બાદ હુથીઓએ રાતા સમુદ્રનો માર્ગ પણ અવરોધ્યા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવવા સાથે ટ્રમ્પે જેનેરિક ડ્રગ્સની આયાત પર ઊંચી ટેરિફની ધમકી આપી હોવાથી બજારનું માનસ ખરડાઇ ગયું છે. બ્રેન્ટ ક્રૂડ ૪.૫૨ ટકાના ઉછાળા સાથે ૯૮.૩૨ ડોલર બોલાયું હતું.
સેન્સેક્સ દિવસ દરમિયાન, તે ૬૦૩.૦૭ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકા ઘટીને ૭૬,૧૫૧.૯૮ની નીચી સપાટીને અથડાયા બાદ અંતે ૩૬૩.૬૬ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા ઘટીને ૭૬,૩૯૧.૩૯ની સપાટી પર સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૨૬.૬૫ પોઈન્ટ અથવા ૦.૫૩ ટકા ઘટીને ૨૩,૮૬૯.૬૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. અદાણી પોર્ટ, બજાજ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન, એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક અને ટાટા સ્ટીલ સેન્સેક્સના ટોપ લુઝર્સ શેરમાં સામેલ હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસ, ઇટર્નલ અને બજાજ ફિનસર્વ ટોપ ગેઇનર્સ હતા.
કોર્પોરેટ પરિણામોને આધારે શેરલક્ષી કામકાજ થઇ રહ્યા છે. ડો. રેડ્ડીઝે પ્રથમ ક્વાર્ટરમાં ૬૯.૨ ટકાના ઘટાડા સાથે રૂ. ૪૩૪.૮૦ કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ જાહેર કર્યા બાદ તેના શેર ૮.૭૦ ટકાના કડાકા સાથે રૂ. ૧૦૮૦.૦૫ની બાવન સપ્તાહની નીચી સપાટીએ પટકાયા હતા. પ્રથમ ક્વાર્ટરમાં નફો ચારગણો વધતા ઇટર્નલના શેરમાં ચાર ટકાનો ઉછાળો હતો. નેસ્લે ઇન્ડિયાનો પ્રથમ ક્વાર્ટરનો નફો ૪૮ ટકા વધીને રૂ. ૯૫૮ કરોડ રહ્યો હતો. એચએફસીએલે એપ્રિલ-જૂનમાં રૂ. ૨૪૬ કરોડનો, ઓરિએન્ટ ઇલેક્ટ્રિકે રૂ. ૩૧.૪૯ કરોડનો અને એસઆરએફ રૂ. ૭૫૯ કરોડનો નફો નોંધાવ્યો છે. ઇન્ડિગોએ પ્રથમ ક્વાર્ટરમાં રૂ. ૨૩૮ કરોડની ખોટ નોંધાવી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ એનસીડી મારફત રૂ. ૫૦૦૦ કરોડ એકત્ર કરવા ધારે છે.
અમેરિકાના પ્રમુખે જેનેરિક ફાર્મા પ્રોડ્કટસની આયાત પર બે વર્ષ બાદના પહેલા વર્ષે ૧૦૦ ટકા અને બીજા વર્ષ ૨૦૦ ટકા ટેરિફ નાંખવાની વાત ઉચ્ચારી હોવાથી ફાર્મા શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું. કે પહેલી ઓગસ્ટ, ૨૦૨૬થી, યુનાઇટેડ સ્ટેટ્સમાં લાવવામાં આવતી બધી જેનરિક દવાઓ પર બે વર્ષના સમયગાળા માટે શૂન્ય ટકાનો ટેરિફ ચાલુ રહેશે, ત્યારબાદ એક વર્ષના સમયગાળા માટે ટેરિફ ૧૦૦ ટકા અને ત્યારબાદ ૨૦૦ ટકા સુધી વધારવામાં આવશે.
માર્કેટ એનાલિસ્ટ જણાવે છે કે, ક્રૂડ ઓઇલના ભાવ ફરીથી બેરલે ૧૦૦ ડોલર સુધી પહોંચ્યા હોવાથી રોકાણકારોમાં સાવચેતીનું માનસ છે, કારણ કે ફરી એક વખત ઇન્ફ્લેશન વધવાની અને તેની સાથે કોર્પોરેટ કમાણીમાં ઘટાડો થવાની ભીતિ ઊભી થઇ છે. એફઆઇઆઇએ પાછલા સત્રમાં રૂ. ૮૧૯.૨૦ કરોડના શેર વેચ્યા હતા.
સમાચાર એજન્સી એપીના અહેવાલ મુજબ, ગુરુવારે વહેલી સવારે યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ રાતા સમુદ્રમાં બે સાઉદી ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યાની વાત કર્યા બાદ પશ્ર્ચિમ એશિયામાં તણાવ વધ્યો હતો અને અમેરિકન સૈન્યએ ઈરાન પર ૧૨મી રાત્રે હુમલા કર્યા હતા, કારણ કે બંને દેશો મહત્વપૂર્ણ શિપિંગ લેન પર નિયંત્રણ મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે.
આ સત્રમાં વેચવાલીનું દબાણ વ્યાપક હતું, નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા સંકલિત ૧૫ માંથી ૧૩ મુખ્ય સેક્ટર ગેજ ગબડ્યા હતા, જેમાં નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં ૧.૮૦ ટકાનો કડાકો હતો. નિફ્ટી બેંક, ઓઇલ અને ગેસ, નાણાકીય સેવાઓ, મેટલ, પીએસયુ બેંક અને ખાનગી બેંક સૂચકાંકો પણ ૦.૭૫ ટકા અને ૧.૨૦ ટકાની વચ્ચે ઘટ્યા હતા. બીજી તરફ, ઓટો અને પસંદગીના મીડિયા શેરોમાં ખરીદીનો રસ જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ ૧૦૦ અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ સૂચકાંકો એક ટકા ઘટતાં વ્યાપક બજારો પણ વેચાણના દબાણ હેઠળ આવ્યા હતા.
વ્યક્તિગત શેરોમાં, જૂન ક્વાર્ટરના પરિણામમાં ચોખ્ખા નફામાં પાંચાવન ટકાનો વધારો જાહેર થયા બાદ એનટીપીસી ગ્રીન એનર્જી નવ ટકા જેટલો વધીને એનએસઇ પર રૂ. ૯૯.૬૦ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યો, એ જ રીતે, પ્રથમ ક્વાર્ટરના સારા પરિણામની જાહેરાત બાદ એચઇજીનો શેર ૧૩ ટકા જેટલો વધીને રૂ. ૬૭૫.૯૦ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ અડાયો હતો.
સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર પાછલા ચાર ટ્રેડિંગ સત્રોમાં, સેન્સેક્સ ૨.૨૫ ટકા ઘટ્યો છે અને નિફ્ટી ઇન્ડેક્સ ૧.૯૦ ટકા ઘટ્યો છે. બીએસઇ પર માત્ર ઈન્સ્યુરન્સ અને ઓટો ઈન્ડેક્સ વધ્યા હતા, રિયલ્ટી, સર્વિસીસ અને ટેલિકોમ સૌથી અધિક ઘટ્યા હતા. એક્સચેન્જના માર્કેટ કેપમાં રૂ. ૩.૩૨ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.
માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. લાખ કરોડ રહ્યું હતું, જે અગાઉના કારોબારી દિવસે રૂ. ૪૮૦.૦૫ લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપમાં રૂ. ૩.૩૨ લાખ કરોડનો ઘટાડો થયો હતો. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૧૧ સ્ક્રિપ વધી અને ૧૯ સ્ક્રિપ ઘટી હતી. બીએસઈ પર કુલ ૪,૩૯૧ સ્ક્રિપ્સમાં સોદા થયા હતા, જેમાં ૧,૬૩૭ શેરોના ભાવ વધ્યા હતા, ૨,૫૮૫ શેરોના ભાવ ઘટ્યા હતા અને ૧૬૯ શેરોના ભાવ યથાવત રહ્યા હતા.
કુલ ટ્રેડેડ શેરોમાંથી ૯૬ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૯૬ સ્ટોક્સ બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જ્યારે કુલ ૧૭ કંપનીઓ પર સર્કિટ બ્રેકર લાગ્યું હતું, જેમાં ૭ કંપનીઓમાં અપર સર્કિટ તથા ૧૦ કંપનીઓમાં લોઅર સર્કિટ લાગી હતી. બ્રોડબેઝ્ડ ઈન્ડેક્સમાં ૧૫૦ મિડકેપ ૧.૦૧ ટકા અને ૨૫૦ સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૧ ટકા ઘટ્યા હતા. સ્ટ્રેટેજી ઈન્ડાઈસીસમાં આઈપીઓ ૦.૨૧ ટકા તથા એસએમઈ આઈપીઓ ૦.૪૮ ટકા ઘટ્યા હતા.
સેક્ટરલ ઈન્ડેક્સમાં બીએસઈ ઈન્સ્યુરન્સ ૦.૬૮ ટકા અને ઓટો ૦.૫૬ ટકા વધ્યા હતા, જ્યારે રિયલ્ટી ૧.૭૮ ટકા, સર્વિસીસ ૧.૬૩ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૩૪ ટકા, પાવર ૧.૨૫ ટકા, યુટિલિટીઝ ૧.૧૨ ટકા, કોમોડિટીઝ ૧.૦૭ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૦૧ ટકા અને બેન્કેક્સ તેમ જ પીએસયુ બેન્ક ૦.૯૭ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૭૦ ટકા, ટીસીએસ ૧.૫૧ ટકા, ઈટર્નલ ૧.૧૬ ટકા, બજાજ ફિનસર્વ ૦.૬૩ ટકા, એચસીએલ ટેકનોલોજી ૦.૬૧ ટકા, કોટક બેન્ક ૦.૫૯ ટકા, સન ફાર્મા ૦.૫૭ ટકા, અલ્ટ્રા સિમેન્ટ ૦.૩૧ ટકા હિંદુસ્તાન યુનિલિવર ૦.૨૯ ટકા, આઈટીસી ૦.૨૧ ટકા અને પાવર ગ્રીડ ૦.૧૬ ટકા વધ્યા હતા.
જ્યારે અદાણી પોર્ટ્સ ૨.૨૬ ટકા, બજાજા ફાઈનાન્સ ૧.૯૬ ટકા, ઈન્ડિગો ૧.૮૯ ટકા, એક્સિસ બેન્ક ૧.૩૬ ટકા, સ્ટેટ બેન્ક ૧.૨૨ ટકા, તાતા સ્ટીલ ૧.૨૧ ટકા, મારુતિ ૧.૧૧ ટકા, અને રિલાયન્સ ૧.૦૫ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ સેગમેન્ટમાં ગુરુવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં કુલ રૂ.૨૬૪.૪૪ કરોડનું ટ્રેડિંગ થયું હતું, જેમાં કુલ ૧,૪૮૩ ટ્રેડ્સમાં ૧,૭૨૦ કોન્ટ્રેક્ટ થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ ૬૧,૪૭,૮૭૯ કોન્ટ્રેક્ટ્સ રહ્યા હતા, જ્યારે કુલ અનુમાનિત ટર્નઓવર રૂ.૭,૫૬,૨૭,૧૪૧.૨૩ કરોડ રહ્યું હતું.