Thu Oct 01 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ અમેરિકાનો યુરોપ-મિડલ ઈસ્ટ-ઈન્ડિયા કોરિડોરનો તુક્કો નવો નથી

2026-09-24 07:40:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ અમેરિકાનો યુરોપ-મિડલ ઈસ્ટ-ઈન્ડિયા કોરિડોરનો તુક્કો નવો નથી

ભરત ભારદ્વાજ


કોઈ ને કોઈ બહાને ભારતની મેથી માર્યા કરતા ડોનલ્ડ ટ્રમ્પે ‘ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર’ (IMEC)નો નવા તુક્કો વહેતો કર્યો છે. યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દરમિયાન ડોનલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે, ઈરાનના આધિપત્યવાળા વિસ્તારોમાંથી ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની હેરફેરમાં વિઘ્ન ના આવે એ માટે આ કોરિડોર બનાવવો જોઈએ ને અમેરિકા તેમાં તન,મન, ધનથી મદદ કરશે.


આ કહેવાતા ‘ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર’ (IMEC)માં મિડલ ઈસ્ટ, યુરોપ અને ભારતને સીરિયાના રસ્તે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ માટે જોડવાની વાત છે. ભારતના (મુંદ્રા બંદરથી યુએઈના ફુજૈરાહ બંદર સુધી સમુદ્રના માર્ગે હેરફેર થાય પછી પાઇપલાઇન દ્વારા સઉદી અરેબિયા, જોર્ડન અને ઇઝરાયલ સાથે સોલર એનર્જી સંચાલિત રેલવે નેટવર્ક દ્વારા જોડાણ કરાય અને ત્યાંથી હૈફા બંદરથી જહાજો દ્વારા યુરોપના નેપલ્સ અને માર્સેલીસ સુધી ક્રૂડ અને નેચરલ ગેસ  પહોંચશે. .આ કોરિડોરમાં હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) અને સુએઝ કેનાલ-રેડ સીનો રૂટ નથી આવતો તેથી ઈરાન ક્યાંય નડશે જ નહીં.


ભૂતકાળમાં અમેરિકાએ રેલવે અને સમુદ્રમાર્ગે પશ્ર્ચિમ એશિયા તથા દક્ષિણ એશિયાને જોડવાનો તુક્કો પણ વહેતો કરેલો. ચીનની વધતી દાદાગીરી અને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ દ્વારા દક્ષિણ એશિયામાં પગપેસારાનો જવાબ આપવા માટે આ પ્રોજેક્ટ વિચારાયેલો. આ વિચાર મૂળ તો ઈઝરાયલનો હતો ને અમેરિકાને ગમી જતાં ભારત, ઈઝરાયલ, યુએઈ અને અમેરિકાએ મળીને આઈ2યુ2 ગ્રુપ બનાવ્યું હતું. સંયુક્ત સાહસો ઉપરાંત જળ, ઊર્જા, ટ્રાન્સપોર્ટેશન, સ્પેસ, હેલ્થ અને ફૂડ સિક્યુરિટીમાં પહેલ માટેના  ગ્રુપનું નામ ઈન્ડિયા અને ઈઝરાયલના બે ‘આઈ’ અને યુએસ તથા યુએઈના બે ‘યુ’ પરથી આઈ2યુ2 રખાયું છે.


ઓક્ટોબર, 2021માં સ્થપાયેલા આ ગ્રુપે 2022ના જુલાઈમાં પોતાનું પહેલું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું તેમાં પહેલી વાર આ વાત કરાઈ પછી 2023માં લગભગ ત્રણેક વર્ષ પહેલાં જો બાઇડન પ્રમુખ હતા ત્યારે અમેરિકાએ  ભારત, સઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)ને સાથે લઈને માલસામાનની હેરફેર માટે વિકસાવવા આ પ્રોજેક્ટ હાથ ધરવાનો વિચાર વહેતો મૂકેલો. આ પ્રોજેક્ટમાં ગલ્ફના પાંચ દેશોને રેલવે મારફતે આવરી લીધા પછી સમુદ્રમાર્ગે કાર્ગો શિપ્સના માધ્યમથી ભારત પહોંચવું ને છેલ્લે ભારતના રેલવે નેટવર્ક સાથે જોડાણ કરવાની યોજના હતી.


અમેરિકાની ટેકનોલોજી, યુએઈ અને સઉદી અરેબિયાનાં નાણાં તથા ભારતની રેલવે નેટવર્ક ઊભું કરવાની ક્ષમતાનો ઉપયોગ કરીને કુવૈતથી સઉદી અરેબિયા, કતાર, યુએઈ અને છેલ્લે ઓમાન સુધી પહોંચતી રેલવે લાઈન નાખવાની યોજના હતી. ઓમાનના દુક્મ બંદરે રેલવે લાઈન સમાપ્ત થાય પછી સમુદ્ર માર્ગે ભારત સાથે જોડાવાની યોજના અમેરિકાએ રજૂ કરેલી.


આપણે ત્યાં આવું કોઈ ગતકડું હાથ લાગે એટલે લોકો અતિ ઉત્સાહમાં આવી જતા હોય છે. અમેરિકાના તુક્કાને પગલે પણ એક વર્ગ અતિ ઉત્સાહમાં આવી ગયેલો ને હવે મોદી સાહેબ ભારત અને ઓમાન વચ્ચે અંડરસી ટ્રેઈન શરૂ કરીને ઈતિહાસ રચશે એવું કહીને તેમનાં ઓવારણાં લેવા માંડેલાં. દુનિયામાં અત્યારે સમુદ્રની અંદર એટલે કે અંડરસી ટ્રેન જાપાન અને યુકે-ફ્રાન્સ એમ બે જગાએ જ ટ્રેન દોડે છે પણ તેમની લંબાઈ બહુ ઓછી છે. ઉત્તર જાપાનમાં રેલવે ટ્રેક સાથેની સેઈકાન ટનલ 54 કિલોમીટરની છે ને તેમાંથી 23 કિલોમીટર રસ્તો દરિયાની અંદર છે. યુકે અને ફ્રાન્સ વચ્ચેની 50 કિલોમીટર લાંબી ચેનલ ટનલમાંથી 38 કિલોમીટરનો ટ્રેક દરિયાની અંદર છે.
  

ભારત અને ઓમાન વચ્ચે સૌથી ટૂંકો દરિયાઈ માર્ગ ઓમાનના સોહર બંદરથી ગુજરાતના મુંદ્રા બંદર વચ્ચે 739 નોટિકલ માઈલ્સ એટલે કે 1368 કિલોમીટર છે. આટલો લાંબો અંડરસી રેલવે ટ્રેક બનાવવો એ નાનીમાના ખેલ નથી તેથી એક્સપર્ટ્સ તો તેને એ વખતે જ હવાઈ તુક્કો ગણાવતા હતા પણ જેને વાહવાહી કરવી છે તેને ક્યાં લોજિકની ચિંતા કરવાની છે? પરિણામે થોડો સમય જયજયકાર કરી દેવાયો ને પછી બધું હવાઈ ગયું. 


અમેરિકાએ એ વખતે પણ એવો તુક્કો વહેતો કરેલો જ કે, ભવિષ્યમાં આ નેટવર્કનો વિસ્તાર કરીને આખા લેવાન્ટ પ્રદેશને આવરી લેવાશે કે જેથી ચીનને યુરોપમાં ઘૂસતું રોકી શકાય. સઉદી અરેબિયા સહિતના આરબ દેશો મિડલ ઈસ્ટ કહેવાય છે જ્યારે એ સિવાયના પશ્ર્ચિમ એશિયાની આસપાસના વિસ્તારને લેવાન્ટ કહેવાય છે.


ઈઝરાયલ, સાયપ્રસ, તુર્કી, જોર્ડન, લેબેનોન, પેલેસ્ટાઈન, સીરિયા, લિબિયા, ઈજિપ્ત, ગ્રીસ, ઈરાક વગેરે દેશોનો બનેલો વિસ્તાર લેવાન્ટ રિજિયન ગણાય છે. અમેરિકાએ એ વખતે જ લેવાન્ટમાં યોજનાનો વિસ્તાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી જ દીધેલી તેથી આ કોરિડોર અમેરિકાના એ તુક્કાનું નવું સ્વરૂપ છે. ફરક એટલો છે કે, એ વખતે અમેરિકાને ચીનના વધતા પ્રભાવની ચિંતા હતી ને અત્યારે ઈરાનની ફિકર છે.
 

આ પ્રકારનો કોઈ પણ પ્રોજેક્ટ સૈદ્ધાંતિક રીતે ભારતના ફાયદામાં જ હોય કેમ કે યુરોપ અને આરબ દેશો સાથે ભારતનો સીધો વ્યવહાર થઈ જાય તેનાથી રૂડું શું? અત્યારે ભારત અને મિડલ ઈસ્ટ વચ્ચે સીધી કનેક્ટિવિટી નથી. પાકિસ્તાન પોતાની એર સ્પેસનો ઉપયોગ કરવા દેતું નથી તેથી ભારતે ફરીને જવું પડે છે. ભારત  ક્રૂડ ઓઈલ માટે મિડલ ઈસ્ટના દેશો પર નિર્ભર છે પણ પાકિસ્તાનની આડોડાઈના કારણે ફરીને જવું પડે છે તેથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધારે આવે છે એ બચી જાય. યુરોપ અને મિડલ ઈસ્ટનો ભારત સાથે સીધો સંપર્ક થવાથી વ્યાપારની તકો પણ વધે. 


મિડલ ઈસ્ટમાં ભારતના કરોડો લોકો રહે છે. યુએઈ સહિતના દેશોમાં રહેનારા ભારતીયોની સંખ્યા એક કરોડની આસપાસ હોવાનું કહેવાય છે ને મોટા પ્રમાણમાં ભારતીયો રહે છે તેથી વ્યાપાર માટેનું પ્લેટફોર્મ તો તૈયાર જ છે પણ ભારતનો માલ સસ્તો નથી પડતો તેથી વ્યાપાર વધતો નથી. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટવાથી ભારતનો માલ સસ્તો પડે તો  મિડલ ઈસ્ટના દેશો ભારત પાસેથી વધારે માલ લેતા થાય તેથી નિકાસ વધે. 


આ બધાં કારણોસર કાગળ પર આ પ્રોજેક્ટ સારો લાગે પણ મુખ્ય અવરોધ સઉદી અરેબિયા છે. સઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાને મક્કા કરાર દ્વારા બનાવેલું ત્રેખડ ભારતનાં હિતોની વિરુદ્ધ છે. પાકિસ્તાનનાં હિતો તેમના માટે સર્વોપરિ છે એ જોતાં સઉદી જોડાય કે કેમ એ અંગે શંકા છે. સીરિયાના રસ્તે હેરફેરની વાત છે પણ સીરિયા આતંકવાદીઓનો અડ્ડો છે તેથી સલામતી કેટલી એ સવાલ છે. બીજું એ કે, અમેરિકાના દુશ્મનો પણ સમયાંતરે બદલાયા કરે છે ને દુશ્મનો બદલાય એમ તેને નવા નવા તુક્કા સૂઝે છે તેથી અમેરિકા પણ ભરોસાપાત્ર નથી.


ટ્રમ્પને અત્યારે ઈરાનની મેથી મારવામાં રસ છે તેથી આ સણકો ઊપડ્યો છે પણ કાલે ઈરાન સાથે સમાધાન થઈ જાય તો અમેરિકા બધું અભરાઈ પર પણ ચડાવી દે. આ સંજોગોમાં ટ્રમ્પ હઈસો હઈસો કરે તેમાં હરખાઈ જવા જેવું નથી. બધા રાજીપો બતાવે તો આપણે પણ રાજી થઈ જવાનું ને પછી બધું ભૂલી જવાનું. આ હવાઈ તુક્કા વાસ્તવિકતામાં પરિણમે ત્યારે ખરું.