Tue Aug 25 2026

Logo

ડોમ્બિવલીમાં લિવ-ઈન પાર્ટનરની નજર સામે યુવકે જીવ આપ્યો

2026-02-19 18:44:00
Author: Yogesh C. Patel
ડોમ્બિવલીમાં લિવ-ઈન પાર્ટનરની નજર સામે યુવકે જીવ આપ્યો

થાણે: દારૂના નશામાં લિવ-ઈન પાર્ટનર સાથે ઝઘડો કર્યા પછી તેની નજર સામે જ યુવકે જીવ આપ્યો હોવાની આંચકાજનક ઘટના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં બની હતી.

માનપાડા પોલીસના જણાવ્યા મુજબ મંગળવારની રાતે ડોમ્બિવલી પૂર્વમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ પિંટુ દેવા શ્રીવાસ (23) તરીકે થઈ હતી. છત્તીસગઢના મહાસમંદનો વતની શ્રીવાસ 20 વર્ષની યુવતી સાથે લિવ-ઈનમાં રહેતો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શ્રીવાસને દારૂ પીવાનું વ્યસન હતું અને તે યુવતીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. આ વાતને લઈ બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. 

ઘટનાની રાતે દારૂના નશામાં શ્રીવાસે ફરી યુવતી સાથે ઝઘડો કર્યો હતો. ગાળાગાળી પછી તેની મારપીટ પણ કરી હતી. બાદમાં કાચની બૉટલ ફોડીને તેણે જાતે જ પોતાની છાતી અને ગળા પર ઘા કર્યા હતા. પછી યુવતીની ઓઢણી ખેંચી પોતાના ગરદન ફરતે વીંટીને ગળાફાંસો ખાધો હતો, એવું યુવતીએ પોલીસને કહ્યું હતું.

ગંભીર જખમી શ્રીવાસને બેભાન અવસ્થામાં ડોમ્બિવલીની પાલિકા સંચાલિત શાસ્ત્રી નગર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે માનપાડા પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)