Sun Aug 30 2026

Logo

રાજકોટના ધોરાજીમાં  એસઓજીએ દરોડો પાડી ૪૦૦ લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કર્યો

2026-04-18 22:00:17
Author: Devayat Khatana
રાજકોટના ધોરાજીમાં  એસઓજીએ દરોડો પાડી ૪૦૦ લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા માટે રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એસ.ઓ.જી.ની ટીમે ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં આવેલી ‘દ્વારકાધીશ મિલ્ક ડેરી’ પર દરોડો પાડી અંદાજે ૪૦૦ લિટર શંકાસ્પદ ભેળસેળિયું દૂધ જપ્ત કર્યું હતું. બાતમીના આધારે કરવામાં આવેલી આ તપાસમાં જાણવા મળ્યું છે કે, વધુ નફો કમાવવાની લાલચે ગ્રામ્ય વિસ્તારોમાંથી એકત્ર કરાયેલા દૂધમાં વિવિધ પદાર્થો ભેળવીને તેનું પ્રમાણ અને ફેટ વધારવામાં આવતા હતા. પોલીસની હાજરીમાં ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા દૂધના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.

આ ભેળસેળના કૌભાંડમાં પ્રાથમિક તપાસ દરમિયાન બે વ્યક્તિઓની સંડોવણી સામે આવી હતી. પોલીસે ઝાંઝમેર ગામના રહેવાસી રાજુભાઈ ઉર્ફે રાહુલ દુદાભાઈ કસોટીયા અને સાગરભાઈ દુદાભાઈ કસોટીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સાથે ચેડા કરનારા આ સંચાલકો સામે વધુ કડક પગલાં લેવામાં આવશે. હાલ પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે આ દૂધનો જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને આમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ.