મુંબઈઃ ધારાવી પ્રીમિયર લીગ (DPL)ની ત્રીજી સીઝન શનિવારે શાનદાર રીતે સમાપ્ત થઈ હતી જેમાં ધારાવી ઇલેવને (Dharavi XI) છેલ્લા બૉલ પર છગ્ગો ફટકારવાની સાથે નાટકીય વિજય મેળવ્યો હતો અને ધારાવીના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ક્લબ ખાતે બે દિવસની જોશપૂર્ણ ક્રિકેટ, ખીચોખીચ ભરેલા સ્ટૅન્ડનો સુંદર માહોલ અને સમુદાયની જીવંત ભાગીદારીનો અંત આવ્યો હતો.
ધારાવી ઇલેવનની યાદગાર જીત
આ ટૂર્નામેન્ટમાં 14 ટીમ અને 210થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ધારાવીમાંથી ઉત્સાહી ભીડ આ બે દિવસીય ટૂર્નામેન્ટ જોવા ઊમટી પડી હતી. શરૂઆતની અને મધ્યની એક્સાઇટિંગ મૅચો બાદ રોમાંચક ફાઇનલમાં ધારાવી ઇલેવને ટૉસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને શિસ્તબદ્ધ બોલિંગનું પ્રદર્શન કરીને એસએસડી સ્પોર્ટ્સ ટીમને 44/5 સુધી મર્યાદિત રાખી હતી. ત્યાર બાદ ભારે તણાવનો માહોલ રહ્યો હતો જે છેલ્લા બૉલ સુધી ચાલ્યો હતો. અંતિમ બૉલ પર સાત રનની જરૂર હતી ત્યારે મૅચમાં વળાંક આવ્યો હતો, કારણકે વાઇડ ડિલિવરી પછી એક જબરદસ્ત સિક્સર ફટકારવામાં આવી હતી, જેનાથી ધારાવી ઇલેવને યાદગાર જીત મેળવી અને દર્શકો ઉત્સાહિત થઈ ગયા હતા.
કિલર બૉય્ઝ ટીમનો વસીમ ખાન ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડી બન્યો હતો. તેણે અસાધારણ ઑલરાઉન્ડ પ્રદર્શન બદલ શ્રેષ્ઠ બૅટર, શ્રેષ્ઠ બોલર અને મૅન ઓફ ધ સિરીઝ અવૉર્ડ મેળવ્યા હતા.
સમાપન સમારોહમાં બોલતા સ્થાનિક સમુદાયના નેતા શ્રીમતી મંદા ભાવેએ કહ્યું હતું કે "ધારાવીના યુવાનો ઘણીવાર સાંકડી ગલીઓમાં રમે છે, પરંતુ આ સ્તરની ટૂર્નામેન્ટનું આયોજન ખરેખર નોંધપાત્ર છે. તે તેમને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે અને સમગ્ર સમુદાયને ગર્વથી ભરી દે છે."
નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (એનએમડીપીએલ) દ્વારા આયોજિત ધારાવી પ્રીમિયર લીગ એક મુખ્ય પહેલ તરીકે વિકસિત થઈ રહી છે જે રમતગમતને સામાજિક પ્રભાવ સાથે જોડે છે. કંપનીએ રમતગમત, આરોગ્ય માટેની પહેલ અને સમુદાય સંબંધિત કાર્યક્રમો દ્વારા યુવાનોના જોડાણને સતત ટેકો આપ્યો છે.
ચૅમ્પિયન ટીમને એક લાખ રૂપિયાનું ઇનામ
વિજેતા ટીમ, ધારાવી ઇલેવનને ટ્રોફી સાથે એક લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. રનર-અપ એસએસડી સ્પોર્ટ્સને ટ્રોફી સાથે 50,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટ દરમ્યાન અનેક 'મૅન ઑફ ધ મૅચ' અવૉર્ડ દ્વારા વ્યક્તિગત શ્રેષ્ઠતાને પણ માન્યતા આપવામાં આવી હતી.
ક્રિકેટર સિમરન શેખ ધારાવીની જ દેન છે
એનએમડીપીએલના સતત પ્રયાસોનો ઉદ્દેશ્ય એક એવું પ્લેટફૉર્મ પૂરું પાડવાનો છે જ્યાં ધારાવીના યુવાનો પોતાની સફળતાની સ્ટોરી બનાવી શકે. આવું જ એક પ્રેરણાદાયી ઉદાહરણ સિમરન શેખ છે, જે સમુદાયમાંથી ઉભરી આવીને વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં ગુજરાત જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તેણે અસંખ્ય યુવા ખેલાડીઓને પ્રેરણા આપી છે.