ધારાશિવ: સાંઈભક્તોથી ભરાયેલા વાહન સાથે પુરપાટ વેગે આવેલી ટ્રક ટકરાતાં મહિલા સહિત બેનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 17 જણ જખમી થયા હોવાની ઘટના ધારાશિવ જિલ્લામાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના યેડશીમાં અલાની ચોક નજીક નૅશનલ હાઈવે પર બુધવારની રાતે બની હતી. ટ્રક એટલી જોરથી ટકરાઈ હતી કે પિકઅપ વાહનના બે ટુકડા થઈ ગયા હતા.
અકસ્માતમાં છબુ દુધભાતે (40) અને બબ્રુવાન સૂર્યવંશી (65) ગંભીર રીતે ઘવાયાં હતાં. તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનાં મૃત્યુ થયાં હતાં. બન્ને ઉમરગા તહેસીલના બોરી ગામના રહેવાસી હતાં.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 17 જણને સારવાર માટે ધારાશિવની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે સાંઈભક્તોનું જૂથ અહિલ્યાનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શિર્ડી સાંઈ મંદિર ચાલતું ગયું હતું. બુધવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંઈદર્શન પછી શ્રદ્ધાળુઓ પિકઅપ વાહનમાં તેમના વતન પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. (પીટીઆઈ)