Fri Jul 24 2026

Logo

ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર

2026-04-21 13:39:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ધંધુકા મર્ડર કેસમાં હત્યારાઓના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંગળવારે સવારથી જ પોલીસને સાથે રાખીને તંત્ર દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. પહેલા ગેરકાયદેસર બાંધકામોની ઓળખ કરવામાં આવી હતી ત્યારબાદ તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ખાસ કરીને ખાટકીવાડ અને નસીબ સોસાયટી વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી.

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  આ કાર્યવાહી હત્યાકાંડના આરોપીઓના ગેરકાયદેસર બાંધકામોને લક્ષ્ય બનાવીને કરવામાં આવી રહી હતી. આવા બાંધકામોને તોડી પાડવાની કામગીરી ચાલુ રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

મુખ્ય આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી કોર્ટ પરિસરને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

શું છે મામલો

તાજેતરમાં ધંધુકામાં સામાન્ય બાબતમાં એક હિંદુ યુવકની હત્યા કરી દેવામાં આવતા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓ સમીર અને રિઝવાન સહિત કુલ 17 લોકોની ધરપકડ કરી હતી.