Thu Oct 01 2026

Logo

''નો રૂમ્બા તુમ્બા ઝુમ્બા, હવે તો બંગાળમાં...'' જાણીતી ટીવી બંગાળી એક્ટ્રેસે મમતા બેનર્જીની હાર પર કરેલી પોસ્ટ વાઈરલ...

2026-05-06 18:01:00
Author: Darshana Visaria
''નો રૂમ્બા તુમ્બા ઝુમ્બા, હવે તો બંગાળમાં...'' જાણીતી ટીવી બંગાળી એક્ટ્રેસે મમતા બેનર્જીની હાર પર કરેલી પોસ્ટ વાઈરલ...

'સાથ નિભાના સાથિયા' ફેમ ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી હાલમાં મધરહૂડને એન્જોય કરી રહી છે. ગોપીબહુનો રોલ કરીને ઘર-ઘરમાં ફેમસ બનેલી દેવોલીના પોતાની પર્સનલ લાઈફ અને સોશિયલ મીડિયા પરના બિન્દાસ નિવેદનોને કારણે પણ અવારનવાર ચર્ચામાં આવતી રહે છે. અત્યારે જ આવેલા પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મમતા બેનર્જીની હાર બાદ દેવોલીનાએ ટ્વિટર પર આકરા પ્રહારો કર્યા છે. આવો જોઈએ આખરે શું કહ્યું છે દેવોલીનાએ... 

મૂળ બંગાળની ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીએ મમતા બેનર્જી અને તેમની ગેંગ પર નિશાન સાધતા લખ્યું કે, જો તેણે ક્યારેય કોઈ રાજનેતાને નફરત કરી હોય તો તે આ જ છે. દેવોલીનાએ પોતાની પોસ્ટમાં આગળ મમતા બેનર્જી પર કટાક્ષ સાધતા લખ્યું હતું કે પશ્ચિમ બંગાળે છેલ્લાં કેટલાક વર્ષોમાં સૌથી ખરાબ સપનું જોયું છે અને હવે ત્યાં પરિવર્તન આવી ગયું છે. પોતાની પોસ્ટના અંતમાં 'નો રૂમ્બા તુમ્બા ઝુમ્બા, હવે ફક્ત ઢિંકા ચિકા' લખીને મમતા બેનર્જીની મજાક ઉડાવી હતી.

વાત કરીએ દેવોલીનાની પર્સનલ લાઈફ વિશે તો દેવોલીનાએ 14મી  ડિસેમ્બર 2022ના રોજ શહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા. ડિસેમ્બર 2024માં તેમણે પુત્ર જોયનું સ્વાગત કર્યું હતું. તાજેતરમાં જ દેવોલીનાએ પોતાના દીકરા જોયના પ્રથમ ડગલાંનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. હાલમાં દેવોલીના ટચૂકડાં પડદાથી દૂર રહીને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

બીજી બાજું, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પોતાની હાર સ્વીકારવાને બદલે ભારતીય જનતા પાર્ટી પર 100થી વધુ બેઠકો પર ગેરરીતિ અને ધાંધલીના આક્ષેપો કર્યા છે. તેમણે ચૂંટણી પંચ પર પણ ભાજપ સાથે મિલીભગતનો આરોપ લગાવતા પૂછ્યું હતું કે, "શું તમને લાગે છે કે આ જીત છે?"