ભુજ: કચ્છમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની કરાયેલી આગાહી વચ્ચે આજે સવારથી જ ભારે ઉકળાટ અને અકળામણભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. પંથકમાં વહેલી સવારથી જ તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થતાં અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડી હતી, જેના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જિલ્લાના મહત્તમ તાપમાનમાં ૧ થી ૧.૫ ડિગ્રી જેટલો સામાન્ય ઘટાડો નોંધાયો હોવા છતાં, હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે લોકોને અસહ્ય બફારાનો સામનો કરવો પડ્યો હતો. સરહદી જિલ્લામાં સરેરાશ ૧૧ થી ૧૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાયરો ફૂંકાયો હતો, જેણે સૂર્યના આકરા તાપથી આંશિક રાહત આપી હતી પરંતુ ઉકળાટમાં વધારો કર્યો હતો.
અંજાર અને ગાંધીધામ સંકુલમાં મહત્તમ તાપમાન ૩૯.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે જિલ્લામાં સૌથી વધુ હતું. આ ઉપરાંત ભુજમાં ૩૭.૬ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૬ ડિગ્રી અને દરિયાકાંઠાના નલિયામાં ૩૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે જિલ્લાભરમાં લઘુત્તમ પારો ૨૭ થી ૨૮ ડિગ્રીની વચ્ચે સ્થિર રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ આગામી દિવસોમાં પણ ગરમ અને ભેજયુક્ત પવનોને કારણે નાગરિકોએ આવી જ અકળામણ વેઠવી પડી શકે છે.
(ઉત્સવ વૈદ્ય)