Wed Jul 01 2026

Logo

કેતન અગરવાલના મોતની મજાક ઉડાવનાર ડેન્ટિસ્ટ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ

2026-07-01 21:08:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કેતન અગરવાલના મોતની મજાક ઉડાવતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બદલ ડેન્ટિસ્ટ મુસ્કાન સોનીને ઓલ ઇન્ડિયા ડેન્ટલ સ્ટુડન્ટ્સ એન્ડ સર્જન્સ એસોસિએશન (એઆઇડીએસએ)એ તાત્કાલિક અસરથી તેના સભ્યપદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમજ તેને મધ્ય પ્રદેશ યુનિટના ખજાનચી પદ પરથી પણ પાંચ વર્ષ માટે હટાવી દેવામાં આવ્યા છે.

એક વાયરલ વીડિયોમાં સોનીએ કેતન અગરવાલના મૃત્યુ અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે તે માણસ, તેના વાળ ન હતા. જો તમે આવું જૂઠું બોલશો તો દેખીતું છે કે મરી જશો. જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ફેલાયો હતો.

એઆઇડીએસએના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલા સસ્પેન્શન ઓર્ડરમાં એસોસિએશને જણાવ્યું કે એઆઇડીએસએ મધ્ય પ્રદેશના ખજાનચી તરીકે નિયુક્ત ડો. મુસ્કાન સોનીને અનુશાસનહીનતાના દોષી ઠેરવવામાં આવ્યા છે. 

તેમણે દિવંગત કેતન અગરવાલ વિશે અત્યંત અયોગ્ય, અપમાનજનક અને અનાદરપૂર્ણ ટિપ્પણી કરી છે, જે એઆઇડીએસએના બંધારણ, આચાર સંહિતા અને નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન છે.

આદેશમાં વધુમાં જણાવાયું છે કે તેથી નેશનલ પ્રેસિડન્ટને મળેલા અધિકારોનો ઉપયોગ કરતાં અને એસોસિએશનના અનુશાસન, ગરિમા અને અખંડિતતા જાળવવાના હિતમાં, ડો. મુસ્કાન સોનીને તાત્કાલિક અસરથી એઆઇડીએસએ મધ્ય પ્રદેશના ખજાનચી પદ પરથી તેમ જ એસોસિએશનના સભ્યપદ પરથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.