નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં SIR પ્રક્રિયા અંતર્ગત ચાલી રહી છે. જેમાં ચૂંટણી પંચ દ્વારા વિગતોમાં વિસંગતતાઓના લીધે સીનિયર રાજકારણીઓને નોટિસ આપવામાં આવી છે. દિલ્હીમાં કુલ 33 લાખ મતદારોને નોટિસ આપવામાં આવી છે. જેમાં પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી, દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના નામ પણ છે.
આ અંગે મળતી માહિતી મુજબ ચૂંટણી પંચે વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, તેમની પુત્રી પ્રતિભા અને પુત્રવધૂ ગીતિકાને નોટિસ પાઠવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમની વિગતો મતદાર યાદીના 2002 ના SIRના ડેટા સાથે મેચ નથી થતાં.
મનીષ સિસોદિયા અને તેમના પત્ની સીમાને નોટિસ
આ ઉપરાંત આપ નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને તેમના પત્ની સીમા અને પુત્ર મીરને પણ નોટિસ મળી છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના પુત્ર મીરને આપવામાં આવેલી નોટિસમાં માતા-પિતાના નામ અંગેની વિસંગતતાઓનો ઉલ્લેખ હતો. જ્યારે પત્ની સીમા માટેની નોટિસમાં રેકોર્ડમાંના નામ અને તેમના સત્તાવાર દસ્તાવેજો વચ્ચેની વિસંગતતા તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
અરવિંદ કેજરીવાલ અને કપિલ સિબ્બલને નોટિસ
આ ઉપરાંત આ યાદીમાં દિલ્હીના સીએમ રેખા ગુપ્તા, પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને કપિલ સિબ્બલના નામનો સમાવેશ છે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે દસ્તાવેજોની સઘન ચકાસણી બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાની વિગતોને માન્ય કરવામાં આવી છે. પરિણામે, તેમનું નામ શાલીમાર બાગ મતવિસ્તારની અંતિમ મતદાર યાદીમાં સુરક્ષિત રીતે સામેલ કરવામાં આવ્યું છે. જે 4 નવેમ્બરે પ્રસિદ્ધ થવાની છે.
31.63 લાખથી વધુ મતદારોને નોટિસ
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 30 જૂનથી 17 ઓગસ્ટ દરમિયાન ઘરે-ઘરે જઈને વ્યાપક ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દરેક મતદાર માટે 'એન્યુમરેશન ફોર્મ' (માહિતી પત્રક) સબમિટ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ યાદીમાં સૂચિબદ્ધ અંદાજે 97 લાખ મતદારોમાંથી 33.13 લાખ મતદારોના ફોર્મમાં વિસંગતતાઓ જોવા મળતાં તેમને નોટિસ મોકલવામાં આવી હતી.અત્યાર સુધીમાં આમાંથી 31.63 લાખથી વધુ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે.
29 ઓક્ટોબર સુધી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે
મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ સ્પષ્ટતા કરી છે કે તથ્યો અને મૂળ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી બાદ જ આ તમામ નામો સત્તાવાર અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. સંબંધિત મતદારોએ તેમના વિધાનસભા મતવિસ્તારોના ચૂંટણી નોંધણી અધિકારીઓ સમક્ષ 29 ઓક્ટોબર સુધીમાં તેમના પ્રતિભાવો અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.જ્યારે આ સમગ્ર પ્રક્રિયાના દાવા અને વાંધાનો તબક્કો 30 સપ્ટેમ્બરે પૂર્ણ થશે.