Fri May 01 2026

Logo

કંડલા પોર્ટ હવે બનશે ‘ગ્રીન હબ’: મિથેનોલ બંકરિંગના સફળ પરીક્ષણથી શિપિંગ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ

2026-04-10 12:40:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ ભારતના સમુદ્રી વ્યાપારને 'નેટ ઝીરો' અને 'ડિકાર્બોનાઈઝ' કરવાની દિશામાં દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંડલા મહાબંદર ખાતે ગ્રીન મિથેનોલ બંકરિંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે ભારતને વૈશ્વિક ગ્રીન શિપિંગ કોરિડોરમાં એક મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. આ સફળતા બાદ હવે પોર્ટ દ્વારા આગામી સમયમાં 'શિપ-ટુ-શિપ' એટલે કે, જહાજથી જહાજ મિથેનોલ બંકરિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

કેન્દ્રીય શિપિંગ પ્રધાન સર્વાનંદ સોનોવાલે આ સફળતાને બિરદાવતા જણાવ્યું હતું કે, ડીપીએ કંડલાએ ગ્રીન મિથેનોલ બંકરિંગની ક્ષમતા પ્રદર્શિત કરીને ભારતના ઊર્જા સંક્રમણના પ્રયાસોને વેગ આપ્યો છે. શિપિંગ ક્ષેત્રમાં ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ ઘટાડવા માટે ઈ-મિથેનોલ અને ઈ-એમોનિયા જેવા ઓછા કાર્બન ધરાવતા વૈકલ્પિક ઈંધણો અપનાવવા પર સરકાર ભાર મૂકી રહી છે. કંડલા બંદર વર્ષોથી 'ગ્રે મિથેનોલ'નું હેન્ડલિંગ કરતું હોવાથી તેની પાસે પહેલેથી જ સ્ટોરેજ ટેન્ક, પાઈપલાઈન અને જેટી જેવી માળખાગત સુવિધાઓ સજ્જ છે, જે હવે ગ્રીન મિથેનોલ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

કિનારાથી જહાજ સુધી મિથેનોલ બંકરિંગના આ ઓપરેશનલ પ્રોટોકોલને સફળ બનાવવા માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટીની સાથે સ્ટોલ્ટ ટેન્કર્સ, જે.એમ. બક્ષી, એજીસ વોપાક અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ જેવી અગ્રણી સંસ્થાઓ સહભાગી થઈ હતી. આ સફળ પરીક્ષણ બાદ પોર્ટ હવે કાર્યકારી ક્ષમતા વધારવા માટે આગામી તબક્કામાં જહાજથી જહાજ સુધીના બંકરિંગની યોજના પર કામ કરી રહ્યું છે.

શિપિંગ પ્રઘાને વધુમાં ઉમેર્યું હતું કે, દીનદયાલ પોર્ટ વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં આશરે ૫૦૦ ટન પ્રતિ વર્ષ (ટીપીએ) ઈ-મિથેનોલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ પુરવઠો એશિયા અને યુરોપ વચ્ચેના વેપાર કોરિડોર પર કાર્યરત જહાજો માટે ખૂબ જ મહત્વનો ટેકો સાબિત થશે.કંડલા પોર્ટની સજ્જતા અને સલામતી માળખાનું મૂલ્યાંકન કરવા માટે મેરિટાઇમ એડવાઇઝરી સર્વિસીસની મદદ લેવામાં આવી હતી. આ મૂલ્યાંકન બાદ 'ઇન્ટરનેશનલ એસોસીએશન ઓફ પોર્ટસ એન્ડ હાર્બર્સ' દ્વારા મિથેનોલ બંકરિંગ માટે કંડલા બંદરને પોર્ટ રેડિનેસ લેવલ સ્કેલ પર 'સ્તર-૬'નું રેટિંગ આપવામાં આવ્યું છે, જે પોર્ટની અત્યાધુનિક સુવિધાઓ અને વૈશ્વિક માપદંડોની પુષ્ટિ કરે છે.

(ઉત્સવ વૈદ્ય)
..