નીલા સંઘવી
આપણે ઘણીવાર વિચારીએ છે કે આજની પેઢી સ્વતંત્રતાના અંચળા હેઠળ સ્વચ્છંદ બની રહી છે. વડીલોનું ધ્યાન નથી રાખતી, વડીલોને ડસ્ટબીન માને છે. એ પેઢી અસંસ્કારી છે. હા, આવું પણ બને છે. કેટલાક યુવાનો સ્વચ્છંદી બની ગયા છે, કેટલાક વડીલોને બોજ સમજે છે. જોકે બધા એવા નથી હોતા. હજુ ક્યાંક ક્યાંક સંસ્કારની જ્યોત જલે છે.
આજે વાચકોની મુલાકાત કરાવવી છે કુસુમબહેન અને નિમેષભાઈ સાથે. કુસુમબહેન એ જમાનાનાં ગ્રૅજ્યુએટ અને દરેક ઍક્ટિવિટીમાં ભાગ લેતાં એકદમ ઍક્ટિવ હસમુખ સ્વભાવના, ડાન્સ તેમનું પૅશન. કૉલેજના સમયમાં કૉલેજના વાર્ષિકોત્સવમાં કુસુમનો ડાન્સ તો હોય જ. કુસુમે ડાન્સ પર તાળીઓના ગડગડાટ અને સીટીઓની ધૂમ મચાવી. ગ્રૅજ્યુએશન બાદ કુસુમનાં લગ્ન નિમેષભાઈ સાથે થયાં.
નિમેષભાઈ એમ.કોમ. હતા. સારી જૉબ હતી તેમની. કુસુમને ખુશી એ વાતની હતી કે શિક્ષિત પતિ છે એટલે સ્વતંત્ર વિચારધારા ધરાવતો હશે, જેને કારણે પોતે પણ મનગમતી પ્રવૃત્તિ કરી શકશે. કુસુમ બહુ ખુશ હતી, નિમેષ પણ ખુશ હતો. લગ્નજીવનની શરૂઆત સુંદર હતી. હનીમૂન પર જઈ આવ્યા, પછી ઘરનું અને નિમેષની ઑફિસનું રૂટિન શરૂ થયું. નિમેષનાં માતાપિતા ગામમાં રહેતાં હતાં. ત્યાં તેમનું ઘર હતું, ખેતીવાડી હતી. એટલે બધું વ્યવસ્થિત થતાં ઘરનો કારભાર વહુને સોંપી તેઓ ગામ ચાલ્યાં ગયાં.
ઘરમાં રહી ગયા બે- નિમેષ અને કુસુમ. નિમેષ તો ટિફિન લઈને સવારે દસ વાગ્યે ઘેરથી નીકળી જાય તે સાંજે સાત વાગ્યે પાછો ફરે. કુસુમ આખો દિવસ ઘરમાં એકલી શું કરે? એટલે એને વિચાર આવ્યો. ડાન્સિંગ કલાસ શરૂ કરું. કુસુમે નિમેષને વાત કરી. એ સાંભળીને નિમેષ ભડક્યો, ‘ડાન્સ? સારા ઘરની સ્ત્રીઓ ડાન્સ કરે? અને પાછી તું બીજી છોકરીઓને ઘરમાં બોલાવીને ડાન્સ શીખવાડે? બાપ રે, આ મારું ઘર છે, નાચનારીનો કોઠો નહીં. ડાન્સનું તો મારી સામે નામ પણ લેતી નહીં.’
નિમેષની વાત સાંભળીને કુસુમ તો અવાક્ થઈ ગઈ. એક ભણેલોગણેલો માણસ ડાન્સ જેવી કલાને હલકી ગણે છે. આવું તો એણે ધાર્યું જ ન હતું. હજુ તો તે આમ વિચારતી હતી ત્યાં નિમેષ ફરી બોલ્યો, ‘હવે ઘરમાં મને બીજીવાર ડાન્સ શબ્દ સંભળાવો ન જોઈએ.’ કુસુમે ચુપ્પી સાધી લીધી. એ દિવસ પછી ‘ડાન્સ’ શબ્દ તો શું જરૂર પૂરતા શબ્દો જ તે બોલતી. તેણે નિમેષ સાથે કામ સિવાયની વાત કરવાનું જ બંધ કરી દીધું. નિમેષ તો પોતાના કામમાં મશગુલ હતો. તેનું બધું કામ કુસુમ ચીવટાઈથી કરતી હતી તેથી નિમેષને તો કુસુમનું દુ:ખ સમજાયું જ નહીં. એને તો એવો ખ્યાલ પણ ન હતો કે ડાન્સ કુસુમનું પૅશન છે.
આ તરફ્ કુસુમ ઘરનું કામ વ્યવસ્થિત કરતી હતી, સાસુ-સસરા ઘેર રહેવાં આવે તો તેમને બરાબર સાચવતી હતી એટલે નિમેષભાઈ તો રાજી હતા, પણ કુસુમ રાજી ન હતી, પણ તેણે પોતાની નારાજી કદી જતાવી નહીં. કુસુમબહેનને બે બાળકો થયાં - એક દીકરો અને એક દીકરી. બાળકો થયા પછી તો પતિ, પરિવાર અને બાળકોમાં કુસુમબહેન અતિશય વ્યસ્ત થઈ ગયાં. તેમણે પોતાના ઘૂંઘરું કબાટની તિજોરીમાં છુપાવીને મૂકી દીધાં. ક્યારેક કોઈ સરસ ગીત વાગતું હોય તો તેમના પગ થીરકવા લાગતા, પણ તરત જ નિમેષના શબ્દ યાદ આવતા અને તે ચૂપચાપ બેસી જતાં.
આમને આમ વર્ષો વહી ગયાં. હવે તો કુસુમબહેન નૃત્ય શબ્દ ભૂલી જ ગયાં હતાં. પરિવારની જવાબદારીઓમાં રચ્યાપચ્યાં રહેતાં હતાં. સંતાન મોટા થઈ ગયાં. દીકરીનાં લગ્ન થયા ને સાસરે વળાવી. હવે દીકરાને પરણાવવાનો સમય પણ આવી ગયો. દીકરાએ પસંદ કરેલી યુવતીને ઘરમાં વહુ તરીકે નિમેષભાઈ અને કુસુમબહેન લઈ આવ્યાં. પુત્રવધૂ નિશિ નમણી, નાજુક, મીઠડી છોકરી હતી. સ્વભાવની પણ સારી હતી. ઘરમાં આવતાંવેંત સહુનાં દિલ જીતી લીધાં હતાં. કુસુમબહેનને ‘મમ્મી, મમ્મી’ કહેતાં તેની જીભ થાકતી ન હતી.
નિશિ જૉબ કરતી હતી. એટલે પતિ અને દીકરાનાં ટિફિન ઉપરાંત વહુનું ટિફિન બનાવવાની જવાબદારી પણ કુસુમબહેન પર આવી હતી, પણ કુસુમબહેનને તેનો કોઈ વાંધો ન હતો. નિશિને સાસુની દયા આવતી. એટલે રજાના દિવસે ઘરનું કામકાજ રસોઈ બધું તે સંભાળી લેતી અને નિમેષભાઈ-કુસુમબહેનને કહેતી, ‘મમ્મી-પપ્પા તમે બંને ક્યાંક ફરવા જાઓ. મમ્મીને ક્યાંક લઈ જાઓ. મમ્મી બિચારી આખો દિવસ ઘરમાં કામ કરે છે. ક્યારેય ક્યાંય જતાં-આવતાં નથી, પણ કુસુમબહેન ક્યાંય જવાનો ઊમળકો દાખવતાં નહીં.
નિશિને નવાઈ લાગતી મમ્મી ક્યાંય જતાં નથી અને પપ્પાને પણ ક્યાંય જવાનો રસ હોતો નથી. મમ્મી બસ કામ જ કર્યા કરે છે. ક્યારેક કોઈ વ્યવહારિક કામ હોય તો જાય છે. મમ્મી-પપ્પા વચ્ચે ખાસ કંઈ સંવાદ પણ થતો નથી. મમ્મી એક કોચલામાં બંધ હોય એવું લાગે છે. નિશિ સાયકોલૉજી ભણેલી હતી એટલે એને સમજમાં આવતું હતું કે કુસુમબહેન કોઈ વાતથી બહુ હર્ટ થયાં છે અને તેથી મૌન થઈ ગયાં છે, પણ શું તે તેની સમજમાં આવતું ન હતું.
એક રજાના દિવસે કુસુમબહેનની કૉલેજ ફ્રેન્ડ મળવા આવી. તેણે કહ્યું, ‘ચાલ કુસુમ, આજે તારી બાજુના હૉલમાં જ નૃત્યનો બહુ મસ્ત કાર્યક્રમ છે, મેં બે ટિકિટ લીધી છે તને કહ્યું નહીં, મારે તને સરપ્રાઇઝ આપવું હતું. ચલ, જલદી તૈયાર થઈ જા. નિશિ ચા-નાસ્તો લઈને આવી તેણે પૂછ્યું. ‘આન્ટી, ક્યાં જવું છે?’
‘બેટા, તમારી બાજુના હૉલમાં જ નૃત્યનો કાર્યક્રમ છે. તારી સાસુને તો ડાન્સનો કેટલો બધો શોખ છે એટલે હું તેને લઈ જવા આવી છું.’
‘મમ્મીને ડાન્સનો શોખ છે?’
‘ડાન્સનો શોખ અરે, કુસુમ ઇઝ વેરી ગુડ ડાન્સર. કૉલેજમાં એના ડાન્સને વૈજયંતીમાલાના ડાન્સ સાથે સરખાવવામાં આવતો હતો.’
‘ઓહ, આઇ કાન્ટ બિલીવ. મમ્મી તમે જાવ. તમારે જવું જ જોઈએ’ નિશિએ કહ્યું.
‘ના, ના તારા પપ્પાને નથી ગમતુ.’
‘પપ્પાને ગમે કે ન ગમે તમને ગમે છે ને એટલે તમારે જવાનું’ નિશિએ પરાણે કુસુમબહેનને મોકલ્યાં. થોડી વાર પછી નિમેષભાઈ આવ્યા. કુસુમબહેનને ઘરમાં જોયાં નહીં એટલે નિશિને પૂછ્યું, ‘તારાં મમ્મી ક્યાં છે?’
‘તે ડાન્સનો શો જોવા ગયાં છે.’
‘ડાન્સનો શો જોવા ગઈ? કોને પૂછીને? મેં એને ના પાડી છે. આટલાં વર્ષોમાં નહીં ને આજે એ કેમ ગઈ?’
‘મેં મમ્મીને મોકલ્યાં છે. ડાન્સ એમનો શોખ છે એમનું પૅશન છે. તમે એને આવી રીતે રોકી શકો નહીં’ નિશિએ મક્કમતાથી કહ્યું.
‘પણ...’
‘પણ... બણ... કાંઈ નહીં પપ્પા. એમને એમની પાછલી જિંદગીમાં ગમતું કરવા દો...’
નિમેષભાઈ કાંઈ બોલ્યા નહીં. નિશિના મુખ પર સંતોષનું સ્મિત હતું.