(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મોટાં નાળાઓમાં કચરો ફેંકતા લોકોને અટકાવવા માટે મુંબઈના અમુક મોટાં નાળાઓ પર પ્રાયોગિક ધોરણે સ્ટીલની જાળીઓ બેસાડવામાં આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ હવે મુંબઈ ઉપનગરનાં તમામ નાળાઓ પર જાળી બેસાડવાનો નિર્ણય લીધો છે. તે માટે પાલિકાએ ૨૦૨૮ની ડેડલાઈન નક્કી કરી છે.
મુંબઈનાં નાળાઓ અને ગટરોમાં કચરો ફેંકવાની લોકોની પ્રવૃત્તિને કારણે દર વર્ષે ચોમાસામાં મુંબઈમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતાં હોય છે. નાળાઓ પર આવેલાં ઊભા થઈ ગયેલાં ઝૂંપડાઓને કારણે મોટાં નાળામાં ગાદલા, ફ્રિજ, સોફાથી લઈને ભંગાર થઈ ગઈ ગયેલી રિક્ષાને ફેંકવાના બનાવ પણ છેલ્લાં અનેક વર્ષોમાં મુંબઈમાં બન્યાં છે. લોકોના આવા ઉપદ્રવને કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી અને પાણી ભરાઈ જતા હોય છે. તેથી નાળાઓ પર તથા નાળાને અડીને આવેલા રિટેઈનિંગ વોલ પર જાળી બેસાડીને જળમાર્ગોને અવરોધાતા અટકાવવાનો અને ચોમાસા માટે શહેરની સજ્જતામાં સુધારો કરવાનો છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર ‘મેઈન એવન્યુ નાળા’ અને ‘સાઉથ એવન્યુ નાળા’ પર સ્ટીલની જાળીઓ લગાવવાથી કચરો ફેંકવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી પાલિકા હવે આ ઉપાયનો વ્યાપ વાકોલા નદી સુધી વધારી રહ્યું છે, જ્યાં જ્ઞાનેશ્વર ઝૂંપડપટ્ટી નજીક બેફામ કચરો ફેંકવાને કારણે જળમાર્ગ અત્યંત પ્રદૂષિત થઈ ગયો છે અને તે ગટર જેવો દેખાવા લાગ્યો છે. નદીમાં તરતા કચરાને કારણે પ્રવાહ અવરોધાવાની વારંવારની ફરિયાદો બાદ વહીવટી તંત્રએ વાકોલા નદીની રીટેઈનિંગ વોલ સાથે કચરો રોકતી સ્ટીલની જાળી લગાવવાનું કામ હાથ ધર્યું છે.
એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરે જણાવ્યું હતું કે નક્કી કરાયેલાં નાળાઓ પર ૧૦ ફૂટ ઊંચી સ્ટીલની જાળીઓ લગાવવાથી નજીકની ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને જળમાર્ગોમાં કચરો ફેંકતા અટકાવી શકાયા છે. દાયકાઓ જૂની સમસ્યાના ઉકેલમાં આ પગલું અસરકારક સાબિત થયું છે. હવે અમે તમામ મુખ્ય નાળાઓ પર ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં, આવી જ જાળીઓ લગાવવાની યોજના બનાવી રહ્યા છીએ અને બે વર્ષમાં આ કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જોકે, માનખુર્દ અને ધારાવી જેવા વિસ્તારોમાં આ યોજના સામે મોટો પડકાર છે, જ્યાં નાળાની દીવાલોને અડીને જ ઝૂંપડાં બાંધવામાં આવ્યા છે. અતિક્રમણ અને મર્યાદિત જગ્યાને કારણે આવાં સ્થળોએ જાળીઓ લગાવવી મુશ્કેલ બનશે.
ચોમાસા પૂર્વે દર વર્ષે ગટરો અને નાળામાંથી કાંપ કાઢવાનું કામ કરવામાં આવતું હોવા છતાં, કચરો ફેંકવાને કારણે શહેરનાં અનેક નાળાઓ અવરોધાયેલાં રહે છે, જેનાથી પાણી ભરાઈ રહેવાનું જોખમ વધે છે. પાલિકાએ કચરો ફેંકવાની પ્રવૃત્તિ રોકવા માટે અનેક ઉપાયો અજમાવ્યા છે, છતાં ફર્નિચર, કબાટ અને સોફા જેવો મોટો કચરો હજુ પણ નાળાઓમાં ફેંકવામાં આવે છે.
ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આવો કચરો ફેંકવાનું પ્રમાણ વધુ છે. ડિસેમ્બર ૨૦૨૩માં, સ્ટોર્મ વોટર ડ્રેઇન વિભાગે બાંદ્રા વેસ્ટની પી એન્ડ ટી કોલોનીના નાળાઓ પર સ્ટીલની જાળીઓનો પ્રાયોગિક અમલ કર્યો હતો, જેમાં પ્રોત્સાહનજનક પરિણામો મળ્યા બાદ પાલિકાએ ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓ નજીકના અન્ય સંવેદનશીલ નાળાઓ સુધી આ ઉપાયનો વિસ્તાર કર્યો હતો.
નોંધનીય છે કે મુંબઈભરમાં કુલ ૩૦૦.૧૩૧ કિમી લંબાઈ ધરાવતા ૩૧૪ મુખ્ય નાળાઓ છે - જેમાં દક્ષિણ મુંબઈમાં ૩૦, પૂર્વીય ઉપનગરમાં ૧૨૫, પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૪૯ અને મીઠી નદીના કિનારે ત્રણ નાળાઓનો સમાવેશ થાય છે.