કૌશિક મહેતા
ડિયર હની,
એક અખબારી અહેવાલે મને વિચલિત કરી દીધો છે. એક માએ પોલીસમાં ફરિયાદ કરી છે એના સાસરિયાઓ સામે. આ પરિણીતાએ ફરિયાદમાં કહ્યું છે કે એની ડિલિવરી થવાની હતી. કેટલીક તબીબી સમસ્યા આવી હતી અને ડૉક્ટરે કહ્યું કે શક્ય છે કે બેમાંથી એકને બચાવી શકીએ. સાસરિયાઓએ કલ્પનામાં ના આવે એવો જવાબ આપ્યો: `બાળકને બચાવી લો, મા તો બીજી મળી જશે...!'
આવું કોઈ માણસ માણસ હોય તો... કેમ કહી શકે? પોતાના દીકરાની પત્ની, ઘરની વહુ માટે... કલ્પના કરીએ તો પણ શરીરનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. આ જ પરિણીતા પહેલીવાર ગર્ભવતી થઈ ત્યારે એના પતિએ માર માર્યો અને એ પડી ગઈ, વાગ્યું અને એમાં પેટમાંનું બાળક મૃત્યુ પામ્યું અને ગર્ભપાત કરવો પડ્યો હતો. પોલીસ તો જે કાર્યવાહી કરવાની હશે તે કરતી રહેશે, પણ આ ઘટનાએ મનમાં ઘણા તરંગો સર્જ્યા છે. આપણે બંનેએ આ વિશે ઘણી ચર્ચા કરી છે. આવા કિસ્સાનો પાર પણ નથી. એકાદ બે કિસ્સા જણાવું.:
કેરળનો `વિસ્મયા કેસ' બહુ ચર્ચામાં રહ્યો હતો.કેરળની આયુર્વેદિક મેડિકલની વિદ્યાર્થિની વિસ્મયાનાં લગ્ન કિરણ કુમાર નામના સરકારી કર્મચારી સાથે થયાં હતાં. લગ્નના થોડા જ સમયમાં સાસરિયા ઓ દ્વારા ગાડી અને સોનાના દહેજ માટે તેને શારીરિક અને માનસિક રીતે તોડવામાં આવી. વિસ્મયાએ તેના પરિવારને વૉટ્સઍપ પર તેના પર થતા અત્યાચારના ફોટા અને ચૅટ મેસેજ મોકલ્યા હતા, જેમાં તેણે જણાવ્યું હતું કે તેના પતિ તેને મારઝૂડ કરે છે અને વાળ પકડીને ઘરમાં ફરે છે.
આ કિસ્સાનો અંત બહુ કરુણ હતો. 2021માં વિસ્મયા તેના સાસરે શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ કેસે સમગ્ર દેશમાં આક્રોશ જગાવ્યો હતો. કેરળ કોર્ટે કડક કાર્યવાહી કરીને પતિ કિરણ કુમારને દોષિત ઠેરવ્યો અને 10 વર્ષની સજા ફટકારી હતી. આ કેસે સાબિત કર્યું કે ઉચ્ચ શિક્ષણ પામેલી યુવતીઓ પણ કઈ રીતે બંધ બારણે ઘરેલુ હિંસાનો ભોગ બને છે.
બીજો કિસ્સો દિલ્હીની શ્રદ્ધા વાલકરનો છે. ભલે આ કિસ્સો પરંપરાગત લગ્નનો ન હતો, પરંતુ તે અત્યંત ચર્ચાસ્પદ અને ઘરેલુ હિંસાનું સૌથી ભયાનક સ્વરૂપ સાબિત થયો હતો, જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. દિલ્હીમાં આફતાબ પૂનાવાલા દ્વારા તેની પાર્ટનર શ્રદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી પછી શ્રદ્ધાના દેહના ટુકડા ટુકડા કરીને એની લીવ ઈન પાર્ટનરે જંગલમાં ફગાવી દીધા. એમના વચ્ચે સતત થતી બોલાચાલી, શારીરિક હિંસા અને નિયંત્રણ રાખવાની વૃત્તિ કઈ રીતે ખતરનાક હદ સુધી પહોંચી શકે છે તેનું આ ઉદાહરણ હતું.
આ બંને કેસ દર્શાવે છે કે જ્યારે ઘરની ચાર દીવાલો વચ્ચે સંબંધમાં હિંસા હદ વટાવી જાય છે ત્યારે તે માનવતા માટે કેટલું ઘાતક સાબિત થાય છે.
ક્રાઇમના બ્યુરોના તાજા આંકડા પણ આવું જ કહે છે કે ભારતમાં મહિલાઓ સામેના ગુનાઓમાં મોટો હિસ્સો ઘરેલુ હિંસા અને પારિવારિક ત્રાસનો હોય છે. આપણે ત્યાં નોંધાતા મહિલા વિરુદ્ધના કુલ ગુનાઓમાં આ સૌથી મોટો વર્ગ છે. દર વર્ષે આ શીર્ષક હેઠળ એક લાખથી વધુ કેસ માત્ર પોલીસ ચોપડે નોંધાય છે. આ આંકડાઓ ફક્ત તે જ કેસો દર્શાવે છે જે પોલીસ સુધી પહોંચે છે; સામાજિક ડર, બદનામી કે પરિવારના દબાણને કારણે મોટી સંખ્યામાં કેસો ક્યારેય નોંધાતા જ નથી.
`નૅશનલ ફૅમિલી હેલ્થ' સર્વેના આંકડામાં પારિવારિક હિંસાનું વાસ્તવિક ચિત્ર ખૂબ જ ચોંકાવનારું છે. ભારતમાં આશરે 31.2 ટકા પરિણીત મહિલાઓએ (15થી 49 વર્ષની વય જૂથમાં) તેમના જીવનસા થી દ્વારા કોઈ ને કોઈ પ્રકારની ઘરેલુ હિંસાનો સામનો કર્યો હોવાનું સ્વીકાર્યું છે. આ હિંસામાં શારીરિક હિંસામાં આશરે 28.5 ટકા મહિલાઓ શિકાર બને છે. ભાવનાત્મક/માનસિક ત્રાસની વાત કરીએ તો આશરે 13.1 ટકા મહિલાઓ. જાતીય સતામણીમાં આશરે 5.7 ટકા મહિલાઓ શિકાર બને છે.
કેટલાંક રાજ્યોમાં (જેવા કે કર્ણાટક, બિહાર, મણિપુર, તેલંગાણા વગેરે) આ પ્રમાણ 35 ટકાથી 45 ટકા સુધી કે તેથી વધુ પણ નોંધાયું છે. હા, કાયદાઓ છે પણ એનો લાભ કેટલાને મળે છે? ઘણા કિસ્સા તો પોલીસ સ્ટેશને પહોંચતા પણ નથી ને પહોંચે છે તેમાંથી ઘણા કિસ્સામાં પોલીસનું વલણ પણ ચર્ચાસ્પદ હોય છે.
આપણા એક ચોકીદારનો કિસ્સો યાદ છે ને? એ ચોકીદાર દારૂ પીને પત્નીને મારતો. બંનેને લઈ સોસાયટીના પ્રમુખ મારી પાસે આવ્યા ત્યારે ચોકીદાર પર બહુ ગુસ્સો આવ્યો હતો. પછી એને સમજાવતાં કહ્યું કે તારો હાથ કેમ ઊપડે? પણ ઘણા ઘરમાં આ વાત સામાન્ય હોય છે. પત્નીઓ સહન કરી લે છે. અને ઘરના લોકો પાસે વાત મુકાય તો સમજાવી લેવાય છે કે `હવે બીજીવાર નહીં થાય' એવો ભરોસો અપાય છે. આ સિલસિલો અટકતો નથી. અટકવો જોઈએ, એ માટે મહિલાઓએ જાગૃત થવું પડશે ને થવું જ જોઈએ.
તારો બન્ની