Fri Jul 24 2026

Logo

દાહોદમાં લગ્ન પ્રસંગે જમણવાર પડ્યો ભારે: ફૂડ પોઇઝનિંગના કારણે 400થી વધુ લોકો બીમાર

2026-04-21 10:03:00
Author: Mayur Patel
Article Image

દાહોદઃ રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વધુ એક ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી. દાહોદના ગરબાડા તાલુકાના અભલોડ ગામના એક લગ્નપ્રસંગે જમણવાર બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. અસરગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને આ ઘટના પાછળનું કારણ જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી વિગત પ્રમાણે, જમણવાર બાદ લોકોને અચાનક ઉલ્ટી, ઝાડા જેવી તકલીફો શરૂ થઈ હતી. જેથી 108ને જાણ કરવામાં આવી હતી. જોકે અસરગ્રસ્તોની સંખ્યા વધારે હોવાથી ખાનગી વાહનો મારફતે પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આશરે 200 જેટલા લોકોને ગામમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
 

લગ્નપ્રસંગમાં કેરીનો રસ અને પનીર સબ્જી પીરસવામાં આવી હતી. જેના કારણે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હોય તેવું માનવામાં આવે છે. જોકે તંત્ર દ્વારા સેમ્પલ લઈને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. 

આ પહેલા 5 એપ્રિલના રોજ અમદાવાદના મેમનગરની એક ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી હતી. 20 વિદ્યાર્થિનીઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમજ 24 કલાકની અંદર હોસ્પિટલમાં દાખલ થયેલી વિદ્યાર્થિનીઓની કુલ સંખ્યા 38 પર પહોંચી હતી.