Tue Aug 18 2026

Logo

કવર સ્ટોરીઃ ગોડઝિલા અલ નિનો ક્યાં ભેરવાઇ ગયું?

2026-08-05 07:49:12
Author: Nilesh Waghela
Article Image

નિલેશ વાઘેલા

લગભગ ચારેક મહિના પહેલાથી આપણે અલ નીનો અંગે ચેતવણી સાંભળતા આવ્યા છીએ અને તમે આ વિષય પર મુંબઇ સમાચારની ઇન્ટરવલ પુરવણીમાં ત્રણેક કવર સ્ટોરી વાંચી છે. હવામાન ખાતું અનેક નિરિક્ષણ અને પરિક્ષણને આધારે આ પ્રકારની સંવેદનશીલ આગાહી કરે છે. જૂન મહિનો સાવ કોરોધાકોર જતાં એક ફડક પણ પેઠી કે આગળ શું થશે? સુજ્ઞ વાચકોને યાદ અપાવવાની જરૂર નથી કે વરસાદ ભારતીય અર્થતંત્રની જીવાદોરી છે. 

મુંબઈમાં તો એવી પરિસ્થિતિ સર્જાઇ કે પીવાનાં પાણી પર કાપ મૂકવો પડ્યો અને જળાશયોમાં માત્ર દસ દિવસ પૂરતું જ પાણી બચ્યું હોવાના અહેવાલોએ મુંબઇગરાના જીવ ઊંચા કરી નાંખ્યા! ...પણ પછી શું થયું? બારેમેઘ એવા ખાંગા થઇને મુસળધાર વરસ્યા કે માત્ર 28 દિવસમાં જ આ જળાશયોની જળસપાટી 83 ટકા સુધી પહોંચી ગઇ! 

બીજી તરફ આખા દેશમાં અનેક રાજ્યોમાં અનેક શહેરો જળબંબાકાર થઇ ગયાં, જેમાં આસામ અને ગુજરાત જેવા રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું. બાવીસ જુલાઈના રોજ ઇસરો ઉપગ્રહે જે તસવીર ખેંચી તેમાં એવું જોવા મળ્યું કે ભારતના 95 ટકા હિસ્સા પર ચોમાસાના કાળાં ડિબાંગ વાદળોએ કબજો જમાવી લીધો છે. ભારતનો નકશો ઘનઘોર વાદળો નીચે જાણે ઢંકાઇ ગયો.

ચાલો આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે હવામાનશાસ્ત્રીઓનું ગણીત ક્યાં કાચુ પડ્યું? ગોડઝિલા અલ નીનો 2026 સમગ્ર ભારતમાં મોટા પાયે ચોમાસાના વાદળોને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યું!

ગોડઝિલા અલ નીનો નામની સાથે વારંવાર આવતી સામુદ્રી ચેતવણીમાં એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, પેસિફિક મહાસાગરમાં વાયુચક્ર અને ઉષ્ણ-શીત આબોહવાની જે ધમાચકડી ચાલી રહી છે, તેને કારણે જુલાઈ 2026માં ચોમાસુ તો કદાચ બેસશે, પરંતું તે અતિશય નબળું રહેશે અને તેમાં વર્ષો પછીના ભયાનક દુષ્કાળની સંભાવના છે!

અલબત્ત, ચોમાસુ સમયસર ના બેસ્યું અને જૂન મહિનો કોરોકટ ગયો. જુલાઈમાં દેશમાં વરસાદની ખાધની આગાહી સામે જોકે, ઇસરોની સેટેલાઇટ તસવીર કંઇક અલગ જ નીકળી અને તેમાં ભારતના 95 ટકાથી વધુ વિસ્તાર પર વરસાદી વાદળોની જમાવટ જોવા મળી. આમ છતાં હવામાન વૈજ્ઞાનિકો અપેક્ષા રાખે છે કે 2027ની શરૂઆતમાં અલ નીનો પેટર્નની અસર રહેશે. સામાન્ય રીતે આટલા વિશાળ કદનો અલ નીનો સમગ્ર દક્ષિણ એશિયામાં વરસાદને કાપી નાખે છે.

ભારતીય હવામાન વિભાગના અહેવાલ અનુસાર બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પર સક્રિય પવન પરિભ્રમણ તાજી ભેજવાળી હવાને અંદર તરફ ધકેલી રહ્યું હોવાથી વૈશ્વિક સ્તરે સમુદ્રી ઉષ્ણતામાનની પરિસ્થિતિ છતાં સમગ્ર ભારતમાં વરસાદ પડ્યો હતો. હવે એ જોઇએ કે સ્થાનિક પવન પેટર્ન ગોડઝિલા અલ નીનો 2026ની અસરોને કેવી રીતે ઊલટાવી નાંખે છે!

અલ નીનો એક એવી ઘટના છે, જે સામાન્ય રીતે પેસિફિક મહાસાગર પર મંડરાતાં મહાકાય પવનના પ્રવાહોના મૂડ અને પ્રકૃતિને બદલે છે. તે ગરમ પાણીને પૂર્વમાં દક્ષિણ અમેરિકા તરફ ખસેડીને સૂકી હવાને ભારત તરફ ધકેલે છે. આ ઘટનાને કારણે આપણા દેશ માટે ઘણીવાર ચોમાસાની ઋતુ નબળી રહે છે. 

પરંતુ વૈશ્વિક આબોહવા પેટર્ન હંમેશા દૈનિક હવામાનને નિયંત્રિત કરતી નથી. ભારતીય દરિયાકાંઠે ગરમીના ગુંબજ નાના નીચા દબાણવાળા પોકેટ્સ બનાવે છે. આ સ્થાનિક પવનો હવે ભીની, ભેજથી ભરપૂર દરિયાઈ હવાને જમીન પર ખેંચી જાય છે. ગ્લોબલ વોર્મિંગ સંકેતો છતાં ભારતમાં વરસાદ કેમ પહોંચી રહ્યો છે એ સવાલનો જવાબ શોધવા માટે હવામાનશાસ્ત્રીઓ અભ્યાસ કરી રહ્યા છે. 

અલ નીનો સામાન્ય રીતે મોસમી દુષ્કાળની શક્યતા વધારે છે, જ્યારે દૈનિક વરસાદ સ્થાનિક તોફાનો પર આધાર રાખે છે. હવામાન વિભાગના સત્તાવાર અહેવાલો દર્શાવે છે કે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ભાગોમાં માત્ર એક જ દિવસમાં 12થી 20 સેન્ટિમીટર વરસાદ પડ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો ઓગસ્ટની શરૂઆતથી જ ભારે અને અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટની ચેતવણીઓ થઇ રહી છે. 

એક જાણીતા હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, મોનસૂન બેલ્ટ પોઝિશન (મુખ્ય વરસાદી પટ્ટો) ઉત્તર ભારતમાં તેના સામાન્ય સ્થાને પાછો ફર્યો હોવાથી તે ભારતીય મેદાનોમાં વાદળોને ધકેલવા માં મદદ કરી રહ્યો છે. આ ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળની ખાડી, એમ બે સમુદ્રમાં ગરમ પાણી બંને કિનારા પર વરસાદી વાદળોને વરસવા માટે ઇંધણ આપી રહ્યું છે.

હિંદ મહાસાગરની સ્થિતિ જોઇએ તો આફ્રિકા નજીક ગરમ જળપ્રવાહે ભારતને, 1997 જેવા અલ નીનો પ્રભાવિત દુષ્કાળથી બચાવ્યું છે. આ વર્ષે હિંદ મહાસાગર તટસ્થ છે તેથી સ્થાનિક પવનો બધું કામ કરી રહ્યા છે. હવે એ જોઇએ કે, જળ સ્તર અને ખેતીવાડી માટે આ વાદળોનો શું અર્થ છે? વાદળછાયું આકાશ દૈનિક તાપમાન ઘટાડે છે, પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે ફક્ત આવા વાદળો સુકાઈ ગયેલા તળાવો કે કૂવાઓ ભરવામાં સક્ષમ હોતા નથી.

ઘણા મહિનાઓ સુધી વરસાદની અછત એકત્રિત થતી રહે છે અને ઉષ્ણ પેસિફિક મહાસાગર  મોસમના અંતમાં શુષ્ક હવામાન માટે દબાણ સર્જતો રહે છે. જોકે, આ વર્ષનો અનુભવ સૂચવે છે કે ટૂંકા ગાળાના સ્થાનિક પવનો મુખ્ય અલ નીનો ચેતવણી દરમિયાન પણ હવામાનને થોડા સમય માટે બદલી શકે છે. જોકે, સમુદ્રી પેટર્નને ધ્યાનમાં રાખતા આ ક્ષેત્રના જાણકારો એવી ચેતવણી આપી રહ્યા છે કે, ખેડૂતો અને જળખાતાના અધિકારીઓએ હજુ પણ 2027 સુધી શુષ્ક સમય માટે તૈયારી કરવાની જરૂર છે.

સરવાળે ભારતીય ચોમાસું ટૂંકા મોસમી આરામ પછી સમગ્ર દેશમાં પૂરજોશમાં પાછું ફર્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ ઘણી છબીઓ પ્રકાશિત કરી છે, જેમાં ભારે વાદળો સમગ્ર દેશને ઘેરી લેતા દેખાય છે. નોંધવું રહ્યું કે નૈર્ઋત્ય ચોમાસું ભારતના વાર્ષિક વરસાદના લગભગ 75 ટકા પૂરો પાડે છે, જે સિંચાઈ, પીવાના પાણી અને જળવિદ્યુત માટે મહત્ત્વપૂર્ણ છે. તે જૂનની શરૂઆતમાં કેરળમાં શરૂ થાય છે અને જુલાઈના મધ્ય સુધીમાં મોટાભાગના ભારતને આવરી લે છે. 

ચોખા, કપાસ અને શેરડી જેવા પાક માટે આ ઋતુ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં વિલંબ અથવા નિષ્ફળતા ખાદ્ય સુરક્ષા, આજીવિકા અને અર્થતંત્રને અસર કરે છે. જોકે, આ વખતે કઇ નવી પરિસ્થિતિ સર્જાઇ છે. આમ છતાં હાશકારો અને કુદરતનો એટલો ઉપકાર માની શકાય કે આપણે ભયાનક દુષ્કાળમાંથી આ વખતે તો ઉગરી ગયા!        

પિકચર અભી બાકી હૈ? 
વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, અલ નિનો હવામાન પેટર્ન મજબૂત બની રહી હોવાથી આગામી મહિનાઓમાં વિશ્ર્વના ઘણા ભાગોમાં ગરમ અને સૂકું હવામાન સર્જાવાની ધારણા છે, જેના કારણે ભારતના ચોમાસા અંગે ચિંતા વધી શકે છે!