નવી દિલ્હીઃ જુલાઈના પહેલા દિવસે સામાન્ય લોકોને ઘરેલુ LPG સિલિન્ડર પર તો કોઈ રાહત મળી નથી, પરંતુ કોમર્શિયલ વપરાશકર્તાઓ (રેસ્ટોરન્ટ, ઢાબા, હોટેલ વગેરે) માટે સારા સમાચાર છે. ઓઈલ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં 174 રૂપિયાથી લઈને 183.50 રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે. બીજી તરફ, ઓઈલ કંપનીઓએ 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેના ભાવ યથાવત રાખ્યા છે.
કયા શહેરમાં કેટલા ભાવ ઘટ્યા?
જુલાઈ 2026 માટે 19 કિલોના LPG સિલિન્ડરની કિંમતોમાં 173 રૂપિયાથી લઈને 183.50 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી અને લખનઉ જેવા શહેરોમાં કોમર્શિયલ LPGની કિંમતમાં 183.50 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડર આશરે 174 રૂપિયા સસ્તું થયો છે. બીજી તરફ, ચંદીગઢ અને પટનામાં જુલાઈ 2026 માટે 19 કિલોવાળા LPG સિલિન્ડરના ભાવમાં અનુક્રમે 181.50 રૂપિયા અને 173 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
હવે સિલિન્ડરની કિંમત કેટલી થઈ?
દિલ્હીમાં 1 જુલાઈ 2026થી, 19 કિલોના LPG સિલિન્ડરની કિંમત ₹3,113.50થી ઘટીને ₹2,930 થઈ ગઈ છે. બીજી તરફ, ચંદીગઢમાં તેની કિંમત હવે ₹2,954.50 અને પટનામાં ₹3,227 પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. કોલકાતામાં, જ્યાં અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ બાદ 19 કિલોના LPG સિલિન્ડરના ભાવ સૌથી વધુ વધ્યા હતા, ત્યાં જુલાઈ 2026માં કિંમત ગયા મહિનાના ₹3,255.50થી ઘટીને ₹3,081.50 થઈ ગઈ છે. અમદાવાદમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ₹2,952.50 થઇ ગયા છે.
ઘરેલુ સિલિન્ડરના ભાવ કેટલા?
જુલાઈ 2026 માટે તમામ શહેરોમાં 14.2 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરની કિંમતોમાં કોઇ ફેરફાર નથી થયો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ LPG સિલિન્ડરની કિંમત 942 રૂપિયા, કોલકાતામાં 968 રૂપિયા, મુંબઈમાં 941.50 રૂપિયા અને ચેન્નઈમાં 957.50 રૂપિયા છે.
આ પહેલાં માર્ચ મહિનામાં જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ બે વખત વધારવામાં આવ્યા હતા. 1 માર્ચે સિલિન્ડર ₹28 મોંઘો થયો અને ત્યારપછી 7 માર્ચે તેની કિંમતમાં વધુ ₹114.50નો વધારો કરવામાં આવ્યો. મે મહિનામાં કોમર્શિયલ LPGના ભાવમાં ₹993નો મોટો વધારો થયો હતો, જેના કારણે દિલ્હીમાં તેની કિંમત ₹3,071.50 થઈ ગઈ હતી. ત્યારબાદ 1 જૂને ભાવમાં વધુ ₹42નો વધારો કરવામાં આવ્યો હતો.