(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોલાબા વિસ્તારમાં ઇમારતની ભીંત સાથે મોટરસાઇકલ ટકરાતાં 22 વર્ષના યુવક અને તેના પંદર વર્ષના ભાઇનાં મોત થયાં હતાં.પોલીસના જણાવ્યા અનુસાર કોલાબામાં નાનુભાઇ મુસા માર્ગ પર બુધવારે વહેલી સવારે 4.45થી 5.00 વાગ્યા દરમિયાન આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા બંને ભાઇની ઓળખ સુમિત સતવાન વાલ્મીકિ (22) અને સંજુ સતવાન વાલ્મીકિ (15) તરીકે થઇ હતી. બંને જણ કફ પરેડ વિસ્તારમાં ગણેશમૂર્તિનગરમાં ગલી નંબર-17ની રૂમ નંબર-599માં રહેતા હતા અને ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાના વતની હતા.
સુમિત વાલ્મીકિ મોટરસાઇકલ હંકારી રહ્યો હતો અને તેનો ભાઇ સંજુ પાછળ બેઠો હતો. બંને જણ વહેલી સવારે નાનુભાઇ મુસા માર્ગ પરથી જઇ રહ્યા હતા ત્યારે સુમિતે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને મોટરસાઇકલ ગંગોત્રી ઇમારતની કમ્પાઉન્ડ વૉલ સાથે ટકરાઇ હતી, એમ પોલીસે અધિકારીએ જણાવ્યું હતું.અકસ્માતમાં બંને ભાઇને માથામાં અને ચહેરા પર ગંભીર ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનાં મોત થયાં હતાં.
દરમિયાન અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસ આદરી હતી. બાદમાં ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સેમ્પલ લીધા હતા. બંને ભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.