Fri May 01 2026

Logo

ક્લેપ એન્ડ કટ..!: 100 અઠવાડિયા તરફ આગળ વધતી એક અજાણી ફિલ્મ

2026-03-06 10:13:00
Author: Mumbai Samachar Team
Article Image

સિદ્ધાર્થ છાયા

100 અઠવાડિયા તરફ આગળ વધતી એક અજાણી ફિલ્મ
છેલ્લાં ત્રીસ વર્ષમાં જે નથી થયું એ હવે થવા જઈ રહ્યું છે. આજે એક ફિલ્મ તેનાં 99 અઠવાડિયા પૂરાં કરવા જઈ રહી છે.
અહીંથી શરત મારવામાં આવે છે કે ‘કલેપ એન્ડ કટ’ વાંચનારામાંથી 99 ટકાને આ ફિલ્મનું નામ પણ ખબર નહીં હોય. જો એવું હોય તો પછી એવી તે કેવી આ ફિલ્મ છે જે આવતાં શુક્રવારે 100 અઠવાડિયાં પૂરાં કરવાં જઈ રહી છે

વેલ, આ ફિલ્મનું નામ છે ‘અમીના’! 
ઓત્તારી! આવી પણ કોઈ ફિલ્મ છે? આવું મોઢામાંથી નીકળી ગયું ને? એ જ તો વાત છે. આ ફિલ્મ 12 એપ્રિલ 2024નાં દિવસે અક્ષય અને ટાઈગરની ‘બડે મિયાં છોટે મિયાં’નાં એક દિવસ પછી અને અજય દેવગણની ‘મૈદાન’નાં બે દિવસ પછી રિલીઝ થઇ હતી. પેલી બે ફિલ્મ ખાસ ઉકાળી શકી ન હતી, પણ ‘અમીના’ આજેય નોટ આઉટ રમી રહી છે!

‘અમીના’ મુંબઈનાં ગોરેગાંવ વિસ્તારમાં આવેલા એક મલ્ટીપ્લેક્સમાં આજે પણ દરરોજ સવારે દેખાડવામાં આવે છે. જો તમે કોઈ બુકિંગ એપ ખોલશો તો એમાં આ ફિલ્મની દર રોજ એક રોની 20 સીટ બુક થયેલી જોશો. જો તમે આ વાંચીને એ મલ્ટીપ્લેક્સમાં ‘અમીના’ જોવા જશો તો તમને ટિકિટ ચોક્કસ મળશે, પણ એ શક્ય છે કે એસી તમારી વિનંતી બાદ જ ચાલુ કરવામાં આવે...! 

હજી મોટો આઘાત આપીએ તો આ ફિલ્મ ફક્ત ભારત નહીં, પરંતુ ફોરેન લોકેશન પર પણ શૂટ થઇ છે. કલાકારોમાં ફક્ત અનંત મહાદેવન જાણીતું નામ છે. જે હોય તે પણ કોઇ પણ રીતે પોતાની ફિલ્મ 100 અઠવાડિયાં પૂરી કરે એવી જીદ રાખનારા પ્રોડ્યુસરને ધન્ય છે!

વિપુલ શાહનો આ છે ‘કરારો જવાબ!’
જ્યારે ‘ધ કેરેલા સ્ટોરી ટૂ’નું ટ્રેલર આવ્યું ત્યારે અનુરાગ કશ્યપે તેને ‘વાહિયાત’ કહી હતી. વાહિયાત શબ્દ તો આપણે કીધો બાકી કશ્યપે તો અપશબ્દ જ વાપર્યો હતો. તેણે ફિલ્મનાં અમુક દૃશ્યો પર પણ વાંધો ઉઠાવ્યો હતો. કશ્યપનું કહેવું હતું કે આ રીતે કોઈ ખીચડી પણ ફોર્સથી નથી ખવડાવતું તો આ રીતે ફિલ્મમાં ગૌમાંસ ખવડાવે છે એ કેવી રીતે શક્ય છે?

અનુરાગ કશ્યપ આમ પણ પોતાને ગમે એ એજન્ડા ફેલાવવા માટે જાણીતાં છે. પણ એમ એ પોતાનો એજન્ડા ફેલાવીને જતાં રહે એ થોડું ચાલે? એટલે ‘કેરેલા સ્ટોરી’નાં બંને ભાગનાં પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહે અનુરાગ કશ્યપને ‘કરારો જવાબ’ આપ્યો છે. વિપુલ શાહે અનુરાગ કશ્યપની એક ફિલ્મ જેનું નામ હતું ‘ધેટ ગર્લ ઇન યલો બૂટ્સ’ને યાદ કરી છે. આ ફિલ્મ 2011માં રિલીઝ થઇ હતી. 

વિપુલ શાહે સ્પષ્ટ શબ્દોમાં અનુરાગ કશ્યપને કહ્યું છે કે જે ડાયરેક્ટર પોતાની (ઉપરોક્ત) ફિલ્મમાં પિતા-પુત્રી વચ્ચેનાં અવૈધ સંબંધોને યોગ્ય દેખાડી શકતો હોય એની ટીકાને અમે શા માટે ગંભીરતાથી લઈએ? વિપુલ શાહે ભલે હેડલાઈન ચમકાવતી વાત કરી હોય, પરંતુ એમની વાત સાવ ખોટી તો નથી જ ને?

બે ઈન્ટરવલનો જમાનો પાછો આવશે?
ઈદના દિવસે ‘ધૂરંધર- 2’ અને ‘ટોક્સિક’ બે ફિલ્મો રિલીઝ થવાની છે. આ બંને ફિલ્મો પણ લાંબી હોવાની વાત કન્ફર્મ થઇ છે. ‘ટોક્સિક’ 2 કલાક 20 મિનિટની હશે તો ધૂરંધર’ પોતે 3 કલાક 34 મિનિટ લાંબી હતી જે ભારતીય ફિલ્મ ઇતિહાસમાં એક રેકોર્ડ છે, પરંતુ હવે તેનો બીજો ભાગ એનાંથી પણ લાંબો હશે એવાં પાક્કાં સમાચાર આવી રહ્યાં છે.

જો આ સમાચાર સાચાં હશે તો ‘ધુરંધર 2’ ઓછામાં ઓછી 3 કલાક 45 મિનિટ અને વધુમાં વધુ 3 કલાક 55 મિનિટ લાંબી હશે! ‘ધુરંધર’ને એટલી સુંદર રીતે ડાયરેક્ટ અને એડિટ કરવામાં આવી હતી કે એનો ઈન્ટરવલ 2 કલાકે કયારે પડ્યો એની ખબર પણ નહોતી પડી. પણ હવે જો તેનો ઉચ્ચતમ રન ટાઇમને સાચો ગણી લેવામાં આવે તો શું આ ફિલ્મને બે ઈન્ટરવલની જરૂર પડશે એવું નથી લાગતું?

આશા રાખીએ કે ફિલ્મ એટલી સારી હોય કે એને જોવામાં કંટાળો ન આવે. તો પણ શું? લગભગ 4 કલાકની ફિલ્મ બે ભાગમાં જોવા કરતાં જો બે ઈન્ટરવલ હોય તો એ યોગ્ય નહીં હોય? આપણે આપણાં બાપદાદાઓ પાસેથી સાંભળ્યું છે કે રાજ કપૂરની બે ફિલ્મ અનુક્રમે ‘સંગમ’ અને ‘મેરા નામ જોકર’ આ બંનેમાં બે-ઈન્ટરવલ હતાં. એટલે આ વાત બોલિવૂડ માટે નવી નથી. તો શું આદિત્ય ધર આપણને ફરીથી ઇતિહાસનો અનુભવ કરાવશે કે પછી બબ્બે કલાકનાં બે ભાગમાં ફિલ્મ દેખાડશે?

કટ એન્ડ ઓકે...
મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરા સ્ટારર રાજમૌલીની ફિલ્મ ‘વારાણસી’નું કેટલુંક શૂટિંગ એન્ટાર્કટિકા નાં રોસ આઈસ શેલ્ફ ખાતે થશે!!