Fri Apr 24 2026

Logo

છોટા ઉદેપુરમાં દીપડાના જડબામાંથી બાપે દીકરીને બચાવી

2026-04-24 19:02:55
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ બાપની સંવેદના માતા કરતા ઓછી નથી હોતી. આવા જ એક કિસ્સામાં છોટા ઉદેપુર જિલ્લાના એક નાનકડા ગામના એક આદિવાસી બાપે જબરી હિંમત બતાવી છે. અહીં એક બાપે  દીપડાના જડબામાંથી પોતાની ચાર વર્ષની બાળકીને બચાવી હોવાની ઘટના બની હતી. 

આ ઘટના બુધવારે સાંજે પાવી જેતપુર તાલુકાના રાસલી ગામમાં બની હતી. બાળકી  ઘરના પાછળના આંગણામાં રમી રહી હતી જ્યારે તેની માતા નજીકમાં કામ કરી રહી હતી. સાંજ ઢળી હોવાથી ઝાંખો પ્રકાશ હતો અને એક દીપડો અંદર આવ્યો અને અચાનક તેનાં પર હુમલો કર્યો હતો. માતાએ આ જોઈ ચીસો પાડી અને પિતા સુરેશ રાઠવા બહાર દોડી આવ્યા હતા.  પિતા પહેલા તો હેબતાઈ ગયા, પરંતુ દીકરીને દીપડાના મોઢામાં જોઈ હિંમત એકઠી કરી હતી અને તેના પર તૂટી પડ્યા.

તેમણે પહેલા તો દીકરી તેના મોઢામાંથી આચકી લીધી અને બીજા હાથે દીપડાને હડસેલવાની કોશિશ કરી હતી. જોકે દીપડો પણ બાળકીને છોડવા ને ત્યાંથી હટવા તૈયાર ન હતો અને રાઠવા પર પંજો મારતો હતો, રાઠવાએ એક હાથમાં દીકરી પકડીને બીજા હાથેથી અમુક મિનિટ સુધી જંગલી જાનવરને લડત આપી હતી. છેવટે બાપની હિંમત સામે દીપડો હાર્યો અને પાછળના ખેતરમાં ભાગી ગયો હતો. 

આ અંગે અહીંના વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાઠવાએ ભારે હિંમત બતાવી હતી. આ પ્રકારે આ વિસ્તારમાં દીપડાએ માણસો પર હુમલો કર્યાની પહેલી ઘટના છે. દીપડો શિકારની શોધમાં નદી વિસ્તાર હોવાથી અહીં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બાળકીને ચહેરા અને ગળાના ભાગે ભારે ઈજા થઈ છે. હાલમાં સારવાર ચાલી રહી છે. બીજી બાજુ દીપડો વિસ્તારમાં ફરી દેખાતા અહીં કેમેરા અને પિંજરા મૂકવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.